જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટિયા પાસે સોમવારે રાત્રીના સમયે પૂરઝડપે આવતી ખાનગી લકઝરી બસે બાઈકને ઠોકરે ચડાવતા ગમખ્વાર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ધ્રોલ ગામમાં રહેતાં બે યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતાં. બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ વધુ તપાસ હાથ ધરી હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ ધ્રોલમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતો અલ્તાફ અલીભાઈ રાઠોડ (ઉ.વ.25) અને તેનો પિતરાઇ અસલમ મુસાભાઈ મકવાણા (ઉ.વ.15) નામના બન્ને વ્યકિતઓ સોમવારે રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ તાલુકાના જાયવા ગામ નજીક આવેલા સરમરિયા દાદાના મંદિર નજીકથી વાગુદળ તરફ તેની જીજે-10-બીએન-0781 નંબરના બાઇક પર જતાં હતાં ત્યારે મંદિર નજીક પહોંચ્યા તે સમયે ધ્રોલ તરફથી પૂરઝડપે આવતી જીજે-01-ડીજે-4448 નંબરની પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં બાઈક પર સવાર અલ્તાફ રાઠોડ અને અસલમ મકવાણા નામના બન્ને વ્યકિતઓને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં.
અકસ્માતના બનાની જાણ થતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જેથી મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. પોલીસે મૃતકના ભાઇ અકબર રાઠોડના નિવેદનના આધારે બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.