કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને પગલે સમગ્ર રાજ્યમાં તંત્ર એલર્ટ થયું છે. ગાઇડલાઇનને વધુ સખત બનાવવામાં આવી છે અને નિયંત્રણ વધારવામાં આવ્યા છે. જેની કડક અમલવારી માટે આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને જામ્યુકોના તંત્રએ જામનગરમાં રેલવે સ્ટેશન પાસે ઓવરબ્રિજ નીચે ભરાતી શનિવારી બજાર પર ધોંસ બોલાવી હતી.
આરોગ્ય અને એસ્ટેટ શાખાના કાફલાએ અહીં એકત્ર થયેલા પથારાવાળાઓ અને રેકડીવાળાઓને ખદેડી મૂકયા હતાં. કેટલાંક પથારાવાળાઓનો સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. શનિવારી બજારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હોય, કોરોના વકરવાની દહેશતને પગલે જામ્યુકોનું તંત્ર હરકતમાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત શનિવારે જામ્યુકોના આ જ તંત્ર વાહકો લાપરવાહ જણાયા હતાં. સ્વયંભૂ રીતે કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવાના બદલે ઉપરથી સૂચના આવે ત્યારે જ જામ્યુકોનું તંત્ર જાગતું હોવાનો તાલ સર્જાયો છે. જામ્યુકોની આ કાર્યવાહીના પગલે ફેરીયાઓ અને પથારાવાળાઓમાં કચવાટની લાગણી જોવા મળી હતી. કેટલાંક લોકો આક્રોશ સાથે પ્રશ્ર્ન કરી રહ્યાં હતાં કે, મોટા-મોટા રાજકીય મેળાવડાઓમાં કોઇ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? માત્ર નાના ધંધાર્થીઓને ગાઇડલાઇનના નામે પરેશાન કરવામાં આવે છે. તેમની રોજગારી છિનવી લેવામાં આવે છે. જ્યારે બીજીતરફ રેલી અને સભાઓ બે-રોકટોક યોજવામાં આવી રહી છે. શું અહીં કોરોના સંક્રમણ નથી પ્રસરતું?