ગુજરાત સરકારે સફાઇ, લોકજાગૃતિના નામે નદી ઉત્સવની ઉજવણી શરૂ કરી છે. જોકે, નદી ઉત્સવને પગલે સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી છેકે, એક બાજુ, મળતિયા ઉદ્યોગો નિયમોને કોરાણે મૂકીને ગંદુ પાણી ઠાલવીને નદીઓને પ્રદુષિત કરી રહ્યા છે.ચૂંટણી ફંડ પુરૂ ઉદ્યોગો સામે પગલાં ભરવાને બદલે સરકાર સાબરમતી,તાપી અને નર્મદાના કાંઠે લોકજાગૃતિના કાર્યક્રમ યોજી નદીઓને સ્વચ્છ રાખવાના હેતુસર નદી ઉત્સવના નામે ઉજવણી કરી રહી છે.ખુદ કેન્દ્ર સરકારે જ જાહેર કર્યુ છે કે, ગુજરાતની એક નહીં,બલ્કે 20 નદીઓ પ્રદૂષિત છે.
ગુજરાત સરકારે રવિવારથી નદી ઉત્સવનો પ્રારંભ કર્યો છે. સાબરમતી, તાપી અને નર્મદા નદીના કિનારે પરિસંવાદ, પૂર્જા અર્ચના, સાફ સફાઇ, મેરેથોન દોડ સહિત લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. એમિક્રોનના ભય વચ્ચે ખુદ સરકાર જ મેદની એકત્ર કરી રહી છે. ગુજરાત સરકાર નદી ઉત્સવની ઉજવણીમાં વ્યસ્ત બની છે ત્યારે ખુદ કેન્દ્ર સરકારે જ શિયાળુ સંસદ સત્રમાં જવાબ રજૂ કરી એવી પોલ ખોલી છેકે, ગુજરાતમાં સાબરમતી, નર્મદા સહિત કુલ મળીને 20 નદીઓ પ્રદુષિત બની છે.
કરોડોના ખર્ચે નિર્માણ પામેલાં ટ્રિટમેન્ટ પ્લાન્ટ હોવા છતાંય ઉદ્યોગો નદીઓમાં ગંદુ પાણી ઠાલવે છે. નદીઓમાં પ્રદુષણ ફેલાતાં પાણીમાં જીવો પર ખતરો મંડાયો છે. મળતિયા ઉદ્યોગપતિઓ નિયમોને ઘોળી પી જઇને ગંદુ પાણી નદીઓમાં ઠાલવી રહ્યા છે તેમ છતાંય ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મૌન બેસી તમાશો નિહાળી રહ્યું છે.
ગુજરાત હાઇકોર્ટે પણ નદીઓ પ્રદુષિત થતાં જીપીસીબી ઉપરાંત સરકારને ફટકાર લગાવી છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રદુષિત નદી કરતાં ઉદ્યોગો સામે કડક કાર્યવાહીને કરવાને બદલે માત્ર નામ પુરતી નોટિસો આપીને દેખાડો કરે છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડના માથે પાણીની ગુણવત્તાની ય ચકાસણી કરવાની ય જવાબદારી છે પણ ઉદ્યોગોના મેળાપિપણાને લીધે નદીઓનું પ્રદુષિત બન્યુ છે.
ઉદ્યોગોના ગંદા પાણીને કારણે ગુજરાતની મોટાભાગની નદીઓ જૈવિક પ્રદુષણથી બાકાત રહી શકી નથી. નદીઓની સાફસફાઇ પાછળ લાખો કરોડોનો ધુમાડો કર્યા બાદ પણ નદીઓ પ્રદુષિત થઇ છે. કેન્દ્ર સરકારે નદીઓની સ્વચ્છતા પાછળ અત્યાર સુધી રૂા.5961.71 કરોડનો ખર્ચ કર્યો છે. આમ છતાંય પ્રદુષિત નદીઓની સંખ્યા વધી રહી છે. આમ, ઉદ્યોગો ગંદુ પાણી ઠાલવીને નદીઓને પ્રદુષિત ન કરે તે માટે કામગીરી કરવાને બદલે સરકાર લોકોને સુફિયાણી સલાહ આપી નદીઓની સ્વચ્છતા જળવાય તે માટે નદી ઉત્સવ ઉજવી માત્ર સરકારી કાર્યક્રમો યોજવામાં વ્યસ્ત છે.