લાલપુર નજીક સવારના સમયે પસાર થતા બાઈકને પૂરઝડપે બેફીકરાઇથી આવતા ટ્રેક્ટર ચાલકે બાઇકસવારને હડફેટે લઈ ઠોકરે ચડાવતા બે તરૂણોને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે ટેકટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર ગામમાં રહેતાં બે તરૂણ શુક્રવારે સવારના સમયે તેના બાઇક પર લાલપુર નજીકથી પસાર થતા હતાં તે દરમિયાન દ્વારકા જિલ્લાના કોલવા ગામનો રાજેશ કરમુર નામનો શખ્સ તેનું ટ્રેક્ટર પૂરઝડપે બેફીકરાઈથી ચલાવી બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ફેઝાન (ઉ.વ.15) અને રેહાન (ઉ.વ.16) નામના બે તરૂણનો શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બન્ને તરૂણોના મોત નિપજતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતા પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બન્ને મૃતકોનો કબ્જો સંભાળી તેમના પરિવારજનોને જાણ કરી હતી અને મૃતદેહનો પીએમ માટે મોકલી ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી હતી.