જામનગર શહેરના ખોડિયાર કોલોની નિલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતાં યુવાનના ભાઈને શખ્સ સાથે યુવતી બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઈપ વડે આડેધડ હુમલો કર્યાના બનાવમાં બે ભાઈઓને ઈજા પહોંચી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોનીમાં આવેલા નિલકમલ સોસાયટી શેરી નં.6માં રહેતાં સંજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના યુવાનના ભાઈને હરપાલસિંહ સાથે છએક માસ અગાઉ યુવતી બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી મંગળવારે રાત્રિના સમયે હરપાલસિંહના પિતા ભોલુભા ચુડાસમા, દિવ્યરાજસિંહ ભોલુભા, મંગળસિંહ જાડેજા, વિક્રમસિંહ ચુડાસમા અને તેનો પુત્ર સહિતના પાંચ શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે સંજયસિંહ અને તેના ભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત બન્ને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.