દેશમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસો સતત વધી રહ્યાં છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે ઓમિક્રોનને લઈને દિલ્હીમાં ડીડીએમએની બેઠક મળી હતી. ઓમિક્રોનના લક્ષણો ખૂબ જ હળવા હોય છે અને મૃત્યુની શક્યતા ઓછી હોય છે. દિલ્હીવાસીઓએ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, અમે ઓમિક્રોન સામે લડવા માટે તૈયાર છીએ. કેન્દ્ર સરકાર બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપે. તેમણે કહ્યું કે, હોસ્પિટલ, ઓક્સિજન અને દવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હોમ આઇસોલેશનની સૌથી વધુ જરૂર પડશે. 23 ડિસેમ્બરે હોમ આઇસોલેશન મેનેજમેન્ટ પર એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. ગઈકાલે 100થી વધુ કેસ નોંધાયા હતા.
સીએમ કેજરીવાલે કહ્યું કે, હવે દિલ્હીમાં આવનારા તમામ કોરોના કેસની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે અને ઓમિક્રોનની તપાસ કરવામાં આવશે. જો કોરોના વાયરસનો કોઈ નવો પ્રકાર ફેલાય છે, તો અમારી પાસે હોસ્પિટલોમાં પૂરતી વ્યવસ્થા છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, કેબિનેટમાં વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાકાળથી જે ફ્રી રાશન આપવામાં આવી રહ્યું હતું તેની સમય મર્યાદા 6 મહિના માટે વધારીને 31 મે સુધી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે અમે ટીચર્સ યુનિવર્સિટી બનાવવાના છીએ, તેને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.