સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. આજે સવારે શેરબજાર ખુલતાની સાથે જ ફ્રી ફોલ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સેન્સેકસમાં 1700થી વધુ પોઇન્ટ અને નિફટીમાં 575થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતોે. સૌથી વધુ અસર બેકિંગ અને ફાયનાન્સ શેરોમાં જોવા મળી હતી. આજે થયેલા ફ્રી ફોલને કારણે રોકાણકારોના લાખો કરોડોનું ધોવાણ થયું છે. ભારતીય શેરબજાર તેની ટોચથી 10 ટકાથી વધુ નીચે આવી ગયું છે.
ઓમિક્રોનની દહેશત, લોકડાઉન અને પ્રતિબંધનો ભય, કોમોડિટી વાયદા પર પ્રતિબંધ, વ્યાજદર વધારાનો ભય તેમજ અન્ય વૈશ્ર્વિક કારણોને કારણે બજારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વેચવાલી જોવાઇ રહી છે. જે આજે પણ યથાવત રહી હતી. એટલું જ નહીં વધુ તિવ્ર બની હતી. ભારતીય શેરબજારમાં મોટાપાયે રોકાણ કરનાર એફઆઇઆઇ સતત નાણાં પાછા ખેંચી રહયા છે. જેને કારણે બજારમાં સતત ઘટાડો નોંધાઇ રહયો છે.
શેરબજારમાં કડાકો જોવા મળી રહ્યો છે તેનું મુખ્ય કારણ ઓમિક્રોનના વધતા કેસ, વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ અને સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજના દરમાં વધારો કરવાની આશંકા છે. છેલ્લા 4 દિવસમાં વિદેશી રોકાણકારોએ બજારમાંથી 80 હજાર કરોડ રૂપિયા કાઢ્યા છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે અચાનક 0.15થી 0.25% રેટ વધારી બધાને ચોકાવી દીધા છે.
આજે તમામ સેકટર રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. બજારમાં ભરપૂર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી વધુ મેટલ સેકટરના તૂટયા છે. વિપ્રો 673, સન ફાર્મા. 772, પાવર ગ્રીડ 210, ટીસીએસ 3591, એફ રીટેલ 57, ફયુચર 58, આઈઆરબી 210, મયુર 569, સીપલા 882, ઝી એન્ટર. 347, નિયોજેન 1612, સોમાણી 809, ફર્સ્ટ સોર્સ 157, પૈસાલો 778, ફોનિકસ 957, ટાટા સ્ટીલ 1094, એસબીઆઈ 452 ઉંપર ટ્રેડ કરે છે.