જામનગર શહેરમાં રાજ્યનો પ્રથમ ઓમીક્રોન પોઝિટિવ કેસ આવ્યા બાદ તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના તથા ટયુશનમાં આવતા બાળકોના પણ પરિક્ષણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ જામનગરમાં દરરોજ નોંધાતા કેસો કરતા બુધવારે 7 અને ગુરૂવારે 10 પોઝિટિવ કેસ બાદ શુક્રવારે સતત વધારો થતાં 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં સંક્રમણ વકરતા મહાનગરપાલિકાની ટીમે શનિવારી બજાર બંધ કરાવી હતી.
કોરોના મહામારીનો કપરો કાળ પૂર્ણ થયા બાદ સાઉથઆફ્રિકામાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ હતી અને અસંખ્ય લોકો આ વેરિયન્ટની ઝપટે ચડી ગયા છે તેમજ અન્ય દેશોમાં પણ ઓમીક્રોનના કેસો નોંધાયા છે. ત્યારે ભારતમાં સૌ પ્રથમ કર્ણાટકમાં ઓમીક્રોનનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. ગુજરાતનો સૌ પ્રથમ કેસ જામનગરના મોરકંડા રોડ પરના વિસ્તારમાં રહેતાં 72 વર્ષના વૃદ્ધનો ગાંધીનગર લેબોરેટરીમાં મોકલેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમીક્રોનની જામનગરમાં એન્ટ્રી થયા બાદ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો અને તેમને ત્યાં ટયુશનમાં આવતાં સાત બાળકોના પરિક્ષણ કરવામાં આવ્યા હતાં. સદનસીબે તમામ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી હતી પરંતુ આ રાહત લાંબો સમય રહી ન હતી. કેમ કે,હાલમાં જ રાજસ્થાનમાં યોજાયેલા લગ્ન-પ્રસંગમાં જામનગરના અગ્રણી પરિવારના સભ્યોને કોરોના પોઝિટિવ થયા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોને પરિક્ષણ કરાવવા અપીલ કરી હતી. દરમિયાન બુધવાર સુધી જામનગર શહેર જિલ્લામાં 0 અને 1 જેટલા કેસો નોંધાતા હતાં પરંતુ, બુધવારે એકાએક સાતગણો ઉછાળો આવતા શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા સાત થઈ હતી તેમજ ગુરૂવારે વધુ 10 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં.
તેમજ મોરકંડા રોડ પર રહેતા ઓમીક્રોન પોઝિટિવ અન્ય બે સગાઓનો ઓમીક્રોન પરીક્ષણ રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો હતો. જેથી જામનગર શહેરમાં ઓમીક્રોન પોઝિટિવના ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે, ત્રણેય દર્દીઓની તબિયત સ્વસ્થ છે. ઉપરાંત શુક્રવારે જામનગર શહેરમાં વધુ 11 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વકરતા અગમચેતીના ભાગરૂપે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આજે ભરાતી શનિવારી બજાર બંધ કરાવવામાં આવી છે. શહેરમાં ચિંતાજનક રીતે વધી રહેલા કોરોના કેસનું સંક્રમણ અટકાવવા માટે તંત્રએ જાહેર સ્થળોએ એકઠા થતાં લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે.