જામનગર તાલુકાના દરેડમાં આવેલા પાણીના ખાડામાંથી શુક્રવારે સવારના સમયે સળગાવેલો યુવતીનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતકની ઓળખ મેળવી અને ગણતરીના કલાકોમાં જ તેની સાથે સગાઈ તૂટતા યુવાને તેની વાગ્દતાનીની હત્યા નિપજાવ્યાનું ખુલતા ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, જામનગરના દરેડ વિસ્તારમાં એપલ ગેટ નજીકથી યુવતીનો અર્ધ બળેલો મૃતદેહ પાણીના ખાડામાંથી મળી મળી આવતા 20 થી 22 વર્ષની વયની યુવતીના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા સહિતની તપાસ આરંભી હતી. દરમિયાન આજુબાજુના વિસ્તારમાંથી ગુમ થયેલી યુવતી અંગે વિગતો મેળવતા દરેડ નજીક મુરલીધર પાર્ક સોસાયટી-2 વિસ્તારમાં રહેતી અને એક કારખાનામાં રહીને મજૂરીકામ કરતી ભારતીબેન ઉર્ફે આરતી જીવરાજભાઈ હીંગળા (ઉ.વ. 21) નામની યુવતી બુધવારથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસ દ્વારા યુવતીના ભાઈ અમિતની પુછપરછ કરતાં તેની બહેન આઠમી તારીખે દરેડ વિસ્તારમાં આવેલા રોયલ નામના કારખાનેથી બપોરના સમયે ગાયબ થયેલી છે. જ્યાં કારખાનામાં તેને બપોરના સમયે મુળ પોરબંદરના કુકડા ગામનો વતની અને હાલ મુરલીધર પાર્ક સોસાયટીમાં રહેતો કરણ શંકરભાઈ સાદીયા (ઉ.વ.22) મળવા માટે આવ્યો હોવાનું અને તેના બાઇકમાં સાથે લઇ ગયો હોવાનું અને ત્યાર પછી કરણ અને ભરતી બન્ને ગાયબ થઈ ગયા હતાં.
ત્યારબાદ પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોર્ડની જુદી-જુદી ટુકડીઓને કરણ શંકરભાઈ સાદીયાનો પતો મળી ગયો હતો અને તેની અટકાયત કરી પીએસઆઈ કાંટેલિયા સહિતના સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. દરમિયાન પોલીસે અમિત જીવરાજભાઈ હિંગળાની ફરિયાદના આધારે પોતાની બહેનને ઉઠાવી જઇ જીવતી જલાવી તેની હત્યા નિપજાવવાના અંગે શકદાર તરીકે કરણ શંકરભાઈ સાદીયા સામે કલમ 302 અને 201 હેઠળ ગુનો નોંધી આરોપીની આગવી ઢબે પુછપરછ શરૂ કરી છે. ફરિયાદી અમિતની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અમિતનું સગપણ આરોપી કરણની બહેન સાથે થયું હતું. જ્યારે તેના બદલામાં અમિતની બહેન ભારતીનું સગપણ આરોપી કરણ સાથે કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા દિવસો પહેલાં બન્ને સગપણ અમિત અને તેના પરિવારજનો દ્વારા તોડી નાખવામાં આવ્યાં હતાં. જેનું મનદુ:ખ રાખીને કરણ ગત તા.8 મી તારીખે ભારતીને લઇને બાઈક પર નિકળ્યા પછી તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
પોલીસે મૃતકના ભાઈ અમિતના નિવેદનના આધારે કરણ સાદીયા નામના શખ્સ વિરૂધ્ધ ભારતીની હત્યા નિપજાવી લાશને સળગાવી પાણીના ખાડામાં ફેંકી દઇ પૂરાવાના નાશ કર્યાનો ગુનો નોંધી તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જો કે, આ બનાવમાં કરણે કેવી રીતે હત્યા નિપજાવી તે અંગેની પૂછપરછ હાથ ધરી હતી.