Tuesday, December 24, 2024
Homeરાજ્યદ્વારકા દર્શનાર્થે જતા અમદાવાદના પરિવારજનોને કાળનો ભેટો: અકસ્માતમાં ચારના કરૂણ મોત

દ્વારકા દર્શનાર્થે જતા અમદાવાદના પરિવારજનોને કાળનો ભેટો: અકસ્માતમાં ચારના કરૂણ મોત

બાળકનો ચમત્કારીક બચાવ: અન્ય એક સ્કવોડા કારમાં સવાર મુસાફરો નાસી છૂટ્યા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી દ્વારકા તરફ જતાં માર્ગે ચરકલા ગામ નજીક ગઈકાલે શુક્રવારે ઢળતી સાંજે બે મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે આ કારમાં જઈ રહેલા એક બાળકનો બચાવ થયો હતો. આ અકસ્માતમાં સામેથી આવી રહેલી એક સ્કવોડા કારમાં કોઈ મુસાફરોને ઈજા થઇ નહોતી. પરંતુ આ કારમાં સવાર મુસાફરો ઘટના સ્થળેથી નાસી છૂટયા હતા.

- Advertisement -

આ કરૂણની બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકાથી આશરે સતર કિલોમીટર દૂર ખંભાળિયા તરફ જતા માર્ગે જી.જે. બી.એલ. 7317 નંબરની બ્લુ કલરની એક મારુતિ બલેનો મોટરકારમાં અમદાવાદમાં રહેતા રાજપુત પરિવારના પાંચ સદસ્યો ગઈકાલે શુક્રવારે દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા.

આ મોટરકાર જ્યારે ચરકલાથી કોરાળા ગામ વચ્ચે આંબલિયાળા ચોકડી પાસે પહોંચી, ત્યારે આશરે સાંજે છ વાગ્યાના સુમારે આ માર્ગ પર સામેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી સ્કવોડા ફાબીયા મોટરકાર નંબર જી.જે. 06 ડી.ક્યુ. 1000 સાથે બલેનો મોટરકારનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -

આ જોરદાર ટક્કરને કારણે બલેનો કાર રોડની એકબાજુ ફંગોળાઈ ગઈ હતી. રોડની એકબાજુ ઝાડી વચ્ચે બુકડો બોલી ગયેલી આ બલેનો મોટરકારમાં જઈ રહેલા અમદાવાદના રહીશ રોનક વિજયભાઈ રાજપુત (ઉ.વ.32), પૂજા રોનકભાઈ રાજપુત (ઉ.વ.30), મધુબેન વિજયભાઈ મારવાડી (ઉ.વ.55) અને ભૂમિબેન જયેશભાઈ રાજપુત (ઉ.વ.36) નામના ચાર હતભાગી પરિવારજનોના ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે આ કારમાં જઈ રહેલા 11 વર્ષીય બાળક રુદ્ર જયેશભાઈ ચૌધરીને ફ્રેકચર સહિતની ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં બાળકે માતાની છત્રછાયા ગુમાવી દીધી દેતાં અરેરાટી પ્રસરી છે.

આ બનાવ બનતા દ્વારકાની 108 એમ્બ્યુલન્સ તેમજ દ્વારકા પાલિકાનો ફાયર સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાર સવાર મુસાફરોને તાકીદે દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘવાયેલાઓને તાકીદની સારવાર મળે તે પૂર્વે જ ચાર પરિવારજનોએ અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. અકસ્માતમાં સામે આવેલી રહેલી સ્કવોડા મોટરકારના કોઈ મુસાફરોને ઇજા થવા પામી નથી. આટલું જ નહીં, તેમાં સવાર મુસાફર કાર છોડીને ઘટના સ્થળેથી નાસી છુટયા હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

stop-accident-message-2

આ દુર્ઘટનામાં બચી ગયેલા બાળક રુદ્રના મામા, મામી, નાની તથા અન્ય એક મામીના કરૂણ મૃત્યુ નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ અમદાવાદ રહેતા મૃતકના પરિવારજનોને કરાતા તેઓ પણ મોડી સાંજે દ્વારકા તરફ આવવા માટે નીકળી ગયા હતા. જે મોડીરાત્રે અહીં પહોંચ્યા હતા. આ બનાવ અંગે દ્વારકા પોલીસે દ્વારકાના રહીશ અને ડ્રાઈવિંગ કામ કરતા અજયભા કારાભા માણેકની ફરીયાદ પરથી સ્કવોડા ફાબિયા કાર નંબર જી.જે. 06 ડી. ક્યુ. 1000 ના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338, 304 (એ) તથા એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આરોપી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

દર્શનાર્થે જતા પરિવારને અકાળે કાળનો ભેટો થતાં સર્જાયેલા આ કરુણ બનાવે મૃતકના પરિવારજનો તેમજ સમગ્ર દ્વારકા પંથકમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે. આ બનાવ બનતા દ્વારકાના પી.આઈ. ગઢવી તથા સ્ટાફે ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી જઈ અને જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular