જામનગર શહેરમાં ઉનની કંદોરી પાસેના વિસ્તારમાં રહેતાં વૃધ્ધાએ તેને ત્રણ માસથી ગળાના ભાગે થયેલી ગાંઠના દુખાવાથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાલિડા બંગલાવાડી વિસ્તારમાં રહેતાં યુવાને પાણીને બદલે ભુલથી બેટરીનું પાણી પી જતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગણેશવાસ પાસે આવેલી ઉનની કંદોરી વિસ્તારમાં રહેતાં ખીમીબેન છગનભાઇ બગડા(ઉ.વ.70) નામના વૃદ્ધાને છેલ્લાં ત્રણ માસથી ગળાના ભાગે ગાંઠ થઇ હતી અને આ ગાંઠની બીમારીને કારણે અતિશય દુખાવો થતો હતો. આ દુખાવાથી કંટાળીને આજે સવારના સમયે તેમના ઘરે રૂમના પંખામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બનાવ અંગે મૃતકના પુત્ર કિશોરભાઇ દ્વારા જાણ કરાતા હેકો. ડી.એમ.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાલિડા બંગલાવાડી વિસ્તારમાં રહેતાં ધનાભાઇ વાલાભાઇ ભણસુર(ઉ.વ.39) નામના યુવાને શુક્રવારે સાંજના સમયે જામનગર તાલુકાના વિજરખી ગામ નજીક પાણી પીવાને બદલે ભુલથી બેટરીનું પાણી પી જતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણના આધારે હેકો. સી.જે.જાડેજા તથા સ્ટાફે રાયદે ભણસુરના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.