કાચા માલના ભાવો અને મજુરીમાં થયેલા વધારાને આગળ ધરીને દેશભરની સિમેન્ટ કંપનીઓ દ્વારા ભાવોમાં કરાયેલા બેફામ ભાવ વધારાના કારણે સામાન્ય વ્યકિત માટે ઘરના ઘરનું સ્વપ્ન હવે વધુ મોંઘુ બન્યું છે.
ગઈકાલે એક જ દિવસે સિમેન્ટ કંપનીઓ દ્વારા 20 કિલોની એક બેગ દીઠ રૂ. પાંચનો વધારો કરી દેવાયો છે. જેને લઈને સિમેન્ટની 20 કિલોની થેલીનો છૂટક ભાવ રૂ. 390 ઉપર પહોંચી ગયો છે. જયારે ટ્રક લોડ માલ લેનારને પાંચથી સાત રૂપિયા જેટલો ઓછો હોલસેલનો ભાવ લાગે છે. તેવી જ રીતે ટીએમટી સ્ટીલનો અને ઈંટોનો ભાવ પણ મહત્તમ સપાટીએ જઈ પહોચ્યો છે.
અમદાવાદ શહેરમાં બાંધકામ ઇન્ડસ્ટ્રીઝને દર મહીને લગભગ 55થી 60 લાખ ટન સિમેન્ટની દર મહીને સરેરાશ જરૂર પડતી હોય છે. દિવાળી પછી સિમેન્ટના ભાવોમાં સતત ઉછાળો આવતો રહ્યો છે. ગઈકાલે રૂ. પાંચના વધારા
સાથે દિવાળી બાદ રૂ. 18થી 20નો વધારો નોંધાયો છે. તેમજ તમામ સિમેન્ટ કંપનીઓ દ્વારા કાર્ટેલ રચીને એક સાથે જ આ ભાવો વધારવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે.ચાલુ વર્ષે દેશમાં અને ગુજરાતમાં મોટાપાયે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્સનું કામ મોટાપાયે ચાલતું હોવાથી સિમેન્ટની માંગમાં લગભગ 11 થી 13 ટકા વધારો થવાની શકયતા વ્યકત થઇ રહી છે. લોકડાઉન પૂર્વે સિમેન્ટનો થેલી દીઠ ભાવ રૂ.280થી 290ની આસપાસ હતો. તેમાં સીધો જ આટલો મોટો વધારો નોધાતા તમામની ચિંતામાં વધારો થયો છે.આવી જ સ્થિતિ ઈંટ અને ગ્રીટની છે. ગ્રીટના ભાવમાં દોઢથી બે ગણો વધારો થયો છે. તેવી જ રીતે ઇંટોના ભાવ પણ રૂ. 7.50થી રૂ. 9 સુધી પહોચ્યા છે. આ બધા ભાવ માત્ર જે તે ચીજના છે. તેને સાઈટ ઉપર મોકલવા માટેનો ચાર્જ અલગથી લેવાય છે.
તેવી જ રીતે બાંધકામ ઉદ્યોગમાં મુખ્યત્વે સ્ટીલનો અને હવે તો ટીએમટી સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે, તેના ભાવો પણ અકલ્પીય રીતે વધવા પામ્યા છે. દિવાળી પછીના 20થી 25 દિવસના ગાળામાં જ આ ચીજોના વધેલા ભાવોમાં ફરીથી વધારો નોંધાવા પામ્યો છે. સ્ટીલનો ભાવ 55 હજારથી 56 હજારની ઉપર પહોચ્યો છે. જેમાં કેટલીક કંપનીઓ દ્વારા તો રૂ. 57 હજાર પ્રતિ ટન દીઠ લેવાઈ રહ્યા છે.