દેશભરમાં 7 ડિસેમ્બરના રોજ ‘સશસ્ત્ર સેનાધ્વજદિન’ની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીની શરૂઆત પોતાનું અંગતઅનુદાન આપી કરી હતી. મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ તથા અધિક નિવાસી કલેકટર મિતેશપંડ્યાએ પણ યોગદાન આપી દેશના વીર જવાનો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.આ પ્રસંગે જાહેર જનતાને દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને માભોમની રક્ષા કાજે પોતાના પ્રાણન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા અને આ દિનથી શરૂ થનાર સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓ/કર્મચારીઓ, શાળા, કોલેજોના પ્રિન્સીપાલો, દાતાઓ, માજી સૈનિકો તથા અન્ય મહાનુભાવોને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા કલેકટર ડો.સૌરભ પારઘીએ અપીલ કરી હતી. આ ફાળાની રકમ કલેકટર અને પ્રમુખ, જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ લાલ બંગલો, જામનગર ખાતે ચેક ડ્રાફટ કે રોકડથી સ્વિકારવામાં આવે છે તેમજ આ કચેરીનો સંપર્ક નંબર 0288-2558311 છે.
આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી જામનગરના નરેન્દ્રસિંહ જાડેજા, રહીશ ઘાંચી, જીતેન્દ્રગીરી ગૌસ્વામી, હાલાર માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા, મહિલા કલ્યાણ વ્યવસ્થાપક રેખાબેન દુદકિયા, પ્રવિણસિંહ જાડેજા સહિતના પૂર્વ સૈનિકો વગેરે જોડાયા હતા.