ભાણવડ તાલુકાના ગુંદા ગામના મુળ વતની અને હાલ ઉપલેટા જિલ્લાના મોટી પાનેલી ખાતે રહેતા એક પટેલ વૃદ્ધનું નજીક આવેલા આવેલી ત્રિવેણી નદીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજયુ હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રહેતા અને મૂળ ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામના મુળ રહેવાસી ભોવાનભાઈ ઉર્ફે રુંઘાભાઈ આંબાભાઈ સિહોરા નામના 70 વર્ષના વૃદ્ધ તેમના પરિવારજનો સાથે છેલ્લા દાયકાઓથી ઉપલેટા તાબેના મોટી પાનેલી ગામે સ્થાયી થયા છે. ભાણવડ નજીક આવેલી ત્રિવેણી નદીના કાંઠે સ્થિત ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે તેમને આસ્થા હોય, અવારનવાર તેઓ અહીં આવતા હતા.
ગુરૂવારે સાંજે પાંચ વાગ્યે તેઓ મોટી પાનેલીથી ઇન્દ્રેશ્વર દર્શન કરવા નીકળી ગયા બાદ ગઈકાલે શુક્રવારે સવારે આશરે નવેક વાગ્યે પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં ભોવાનભાઈનો દેહ સાંપડયો હતો. દર્શન કરવા આવેલા આ વૃદ્ધ અકસ્માતે પાણીમાં પડી જતા તેમનું આકસ્મિક મૃત્યુ થયું હોવાની જાણ મૃતકના પુત્ર કાંતિલાલ ભોવાનભાઈ સિહોરાએ ભાણવડ પોલીસને કરી છે. જે અંગે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.