કમોસમી વરસાદ રાજયનો કેડો મૂકતો ન હોય તેમ ફરી એકવાર આકાશમાં આફતના વાદળો ઉમટયા છે. રાજયના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથના ઉના તાલુકામાં રાત્રિ દરમ્યાન સવા ઇંચ વરસાદ વરસી ગયો છે. તો રાજયનાં રર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે 1 ડિસેમ્બર અને આવતીકાલે એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અસર આજે વહેલી સવારે અમદાવાદ સહિત સુરત અને વડોદરામાં દેખાઈ હતી. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે 6 વાગ્યે ધીમી ધારે વરસાદી ઝાપટાં પડયાં હતાં. પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક વધી ગઈ હતી. વરસાદ પડતાં વહેલી સવારે મેદાનમાં LRD ભરતીની પ્રેક્ટિસ માટે દોડવા આવેલા ઉમેદવારો પણ ઠંડીમાં ઠૂંઠવાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 22 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 29 મિ.મી નોંધાયો છે.
દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી રાત્રે મોટે ભાગના વિસ્તારોમાં અમીછાંટણાં પડ્યાં હતાં. આવતીકાલે બુધવારે શહેરમાં અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિંત થયા છે. શહેરનું મહત્તમ તાપમાન 33.1 ડીગ્રી અને લઘુતમ 23.4 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 47 ટકા અને સાંજે 38 ટકા રહ્યું છે. નવસારીમાં પણ વરસાદ પડ્યો હતો. એ ઉપરાંત મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારો તથા પંચમહાલમાં પણ દાહોદ અને લીમડી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે.
શિયાળાની સીઝનમાં હાડ થિજાવતી ઠંડીને બદલે ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મંગળવારના સાંજના સમયે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની શરૂઆત થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેની અસર મંગળવારે બપોર બાદ જ શરૂ થઈ ગઈ હતી અને અનેક જગ્યાએ ઝાપટાં વરસ્યાં હતા. ત્યારે ઉના અને ગીર-ગઢડા પંથકના અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયાના અહેવાલો મળ્યા છે. આ વરસાદથી શિયાળુ પાક ઉપરાંત આંબાના બગીચાઓમાં વ્યાપક નુકસાન થઈ શકે છે, જેથી ખેડૂતોને પણ આર્થિક ફટકો પડશે. અમરેલીમાં કેટલાંક સ્થાનોએ કમોસમી વરસાદ પડ્યો છે. ગોંડલમાં મોડી રાત્રે ઠંડા પવન સાથે વરસાદી ઝાપટું થયું હતું. માવઠાના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે.