મોંઘવારીના ઘોડા પર સવાર થઇને ભારતનું અર્થતંત્ર ગતિ કરી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સામાન્ય અને મધ્યમ વર્ગ પર સતત મોંઘવારીના ચાબખા વિંઝાઇ રહ્યાં છે. મોંઘવારીના આ ચાબખાને કારણે દેશમાં જીડીપીનો ઘોડો ફરીથી ગતિશીલ બન્યો છે. બીજા કવાર્ટરમાં દેશનું જીડીપી વૃધ્ધિદર 8.4 ટકા નોંધાયો છે. ગયા વર્ષે બીજા કવાર્ટરમાં આ વૃધ્ધિદર માઇનસ 7.4 ટકા હતો. બીજી તરફ છૂટક અને જથ્થાબંધ ભાંવાકમાં છેલ્લા કેટલાક મહિનાથી ધીમો પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેને કારણે લોકોને ભારે મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ભારતના લોકો જીડીપી વૃધ્ધિની જાણે કે કિંમત ચૂકવી રહ્યાં હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
1 ડિસેમ્બર એટલે કે આજથી તમારે ઘણી સર્વિસિસ માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. આજથી જિયોના રિચાર્જ 21% સુધી મોંઘા થઈ ગયા છે. તે ઉપરાંત હવે જઇઈંના ક્રેડિટ કાર્ડની ખરીદી પર 99 રૂપિયા અને ટેક્સ અલગથી ચૂકવવો પડશે. અમે તમને આવી જ સર્વિસિસ વિશે જણાવી રહ્યા છીએ જેના માટે તમારે આજથી વધારે પૈસા ચૂકવવા પડશે. તે ઉપરાંત અમે આજથી લાગુ થનારા ફેરફારો વિશે પણ માહિતી આપી રહ્યા છીએ.
ડિસેમ્બરના પહેલા જ દિવસે પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો ઝટકો આપ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલિયમ કંપનીઓના આ નિર્ણય બાદ દિલ્હીમાં 19 કેજીનો કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2101 રૂપિયા થઈ ગયો છે. ગયા મહિને આ કિંમત 2000.50 રૂપિયા હતી. જો કે ,ઘરેલુ ઉપયોગ માટેના 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ સિલિન્ડર મોંઘો થવાથી રેસ્ટોરાં અને બહારનું ખાવાનું મોંઘું થઈ શકે છે.
જિયોએ આજથી તેના ટેરિફ પ્લાન મોંઘા કરી દીધા છે. હવે જિયોના 75 રૂપિયાના પ્લાન માટે 1 ડિસેમ્બરથી 91 રૂપિયા ચૂકવવા પડશે. જિયોના રિચાર્જ પ્લાન લગભગ 21% સુધી મોંઘા થઈ ગયા છે. હવે 129 રૂપિયાવાળો પ્લાન 155 રૂપિયા, 399 રૂપિયાનો પ્લાન 479 રૂપિયા, 1,299વાળો પ્લાન 1,559 રૂપિયા અને 2,399વાળો પ્લાન હવે 2,879 રૂપિયામાં મળશે. ડેટા ટોપ-અપની કિંમત પણ વધારી દેવામાં આવી છે. હવે 6 જીબીડેટા માટે 51ની જગ્યાએ 61 અને 12 જીબી મા
ટે 101ની જગ્યાએ 121 રૂપિયા અને 50 જીબી માટે 251 રૂપિયાની જગ્યાએ 301 રૂપિયા ચૂકવવા પડશે.
જો તમારી પાસે એસબીઆઇનું ક્રેડિટ કાર્ડ છે તો તેના દ્વારા ખરીદી કરવાનું થોડું મોંઘું થઈ ગયું છે. દરેક ખરીદી પર 99 રૂપિયા અને અલગથી ટેક્સ આપવો પડશે. આ પ્રોસેસિંગ ચાર્જ હશે. એસબીઆઇના અનુસાર, 1 ડિસેમ્બર 2021થી તમામ મર્ચન્ટ ઇએમઆઇની લેવડદેવડ પર પ્રોસેસિંગ ચાર્જ 99 રૂપિયા અને ટેક્સ આપવો પડશે. સૌથી પહેલા એસબીઆઇ ક્રેડિટ કાર્ડે તેની શરૂઆત કરી છે.
આજથી સ્ટાર પ્લસ, કલર્સ, સોની અને ઝી જેવી ચેનલ માટે 35થી 50% સુધી વધારે કિંમત ચૂકવવી પડશે. સોની ચેનલ જોવા માટે 39 રૂપિયાની જગ્યાએ 71 રૂપિયા દર મહિને આપવા પડશે. તેવી જ રીતે ઝી ચેનલ માટે 39 રૂપિયાની જગ્યાએ 49 રૂપિયા મહિને આપવા પડશે, જ્યારે Viacom18 ચેનલો માટે 25 રૂપિયાની જગ્યાએ 39 રૂપિયા આપવા પડશે.
દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકએ અકાઉન્ટ હોલ્ડર્સને ઝટકો આપ્યો છે. બેંકે સેવિંગ્સ અકાઉન્ટના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. બેંકે સેવિંગ્સ અકાઉન્ટના વ્યાજ દરને વાર્ષિક 2.90%થી ઘટાડીને 2.80% કરવાનો નિર્ણય કર્યો છે. નવા દર 1 ડિસેમ્બરથી લાગુ થશે.
માચિસની કિંમત 14 વર્ષ બાદ બમણી થઈ ગઈ છે. 1 ડિસેમ્બર 2021થી તમારે માચિસના એક બોક્સ માટે 1 રૂપિયાની જગ્યાએ 2 રૂપિયા ચૂકવવા પડશે. છેલ્લે 2007માં માચિસની કિંમત 50 પૈસાથી વધીને 1 રૂપિયા કરવામાં આવી હતી. કિંમતમાં વધારો થવાનું કારણ માચિસ બનાવવા માટે વપરાતા કાચા માલના ભાવમાં વધારો છે.
યુનિવર્સલ અકાઉન્ટ નંબરને આધાર કાર્ડ સાથે 30 નવેમ્બર સુધી લિંક કરવું જરૂરી હતું. આવી સ્થિતિમાં જો તમે 30 નવેમ્બર સુધી આવું નથી કર્યું તો 1 ડિસેમ્બરથી તમારા ખાતામાં કંપનીની તરફથી આવતું કોન્ટ્રિબ્યુશન અટકી જશે. તે ઉપરાંત આધાર કાર્ડ લિંક ન હોવાથી તમને ઇપીએફ અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં સમસ્યા થઈ શકે છે.