જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ દરિયાકિનારાનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિ માટે કરવામાં આવે છે અને હાલમાં જ આ દરિયાકિનારેથી પાકિસ્તાન દ્વારા કરોડોનો કિંમતનું હેરોઈન ઘુસાડવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં 700 કરોડનું હેરોઇન ઝડપી લેવામાં આવ્યું છે અને આ પ્રક્રરણમાં એટીએસની ટીમે જે બોટ દ્વારા ડ્રગ્સ ઘૂસાડવામાં આવ્યું હતું તે બોટ સચાણા બંદરેથી કબ્જે કરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 315 કરોડથી વધુ કિંમતનું હેરોઇન ઝડપી લેવામાં મહત્વની સફળતા સાંપડી હતી. અને ત્યારબાદ આ હેરોઇન પ્રકરણમાં ગુજરાત એટીએસે ઝંપલાવ્યું હતું અને મોરબીના ઝીંઝુવાડામાંથી સલાયાના શખ્સ સહિત ત્રણ શખ્સોએ 121 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતાં. આ શખ્સોની પૂછપરછ દરમિયાન જામનગરના બેડીમાંથી વધુ બે કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસ અને એટીએસે આ ડ્રગ્સ પ્રકરણમાં અત્યાર સુધી 13 શખ્સોની ધરપકડ કરી છે.
દરમિયાન હાલમાં ધરપકડ કરાયેલ નાઈઝિયન શખ્સના રિમાન્ડ દરમિયાન એટીએસની ટીમે સચાણાના જાવીદ ઉર્ફે જાબિયર અને ઉનાના સરજેરાવ કેશવરાવ ગરડ નામના બે શખ્સોને ઝડપી લીધા હતાં. દરમિયાન જોડિયાના ઈશા રાવે સચાણાના જાવિદ ઉર્ફે જાબિયારે પુનેના શખ્સને 500 કરોડનું ડ્રગ્સ સપ્લાય કર્યુ હતું. એટીએસ દ્વારા આ બન્ને શખ્સોના 12 દિવસના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં જે બોટ દ્વારા ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું હતું તે બોટ સચાણામાં હોવાની જાવીદએ કેફિયત આપી હતી. જેના આધારે એટીએસની ટીમે સચાણામાં આવીને ડ્રગ્સ સપ્લાય કરેલી બોટ કબ્જે કરવામાં આવી હતી. આ પ્રકરણમાં રિમાન્ડ દરમિયાન ડ્રગ્સનું નેટવર્ક રાજસ્થાન-પંજાબ અને મહારાષ્ટ્રના દાણચોરો સુધી ફેલાયેલું છે. જો કે, આ પ્રકરણમાં આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થવાની શકયતાઓ રહેલી છે.