જામનગર તાલુકાના ફલ્લા ગામમાં જવાના ઢાળિયા ઉપર વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતાં શખ્સને પોલીસે રેઇડ દરમિયાન રૂા. 15,230ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. કાલાવડમાં સરકારી દવાખાનાના પુલ પાસે જાહેરમાં પાનનો ગલ્લો ધરાવતાં શખ્સને વર્લીમના આંકડા લખી પૈસાની હારજીત કરી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના ફલ્લા ગામમાં જવાના મુખ્ય ઢાળિયા પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતાં લાલુભા ઉર્ફે લાલો ભીખુભા વાઘેલા નામના શખ્સને પોલીસે રેઇડ દરમિયાન રૂા. 10,230ની રોકડ અને રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ તથા વર્લીના આંકડા લખેલા સાહિત્ય સાથે કુલ રૂા. 15,230ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ આ વર્લીમટકાના આકડા લખવામાં ભાઇલાલ દેવજી ધમસાણીયાનું નામ ખુલતાં પોલીસે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો કાલાવડ ગામમાં સરકારી દવાખાનાના પુલ પાસે પાનનો ગલ્લો ચલાવતો મહેબુબખા ઇસ્માઇલખા પઠાણ નામનો શખ્સ વર્લીમટકાના આકડા લખી પૈસાની હારજીત કરતો હતો તે દરમિયાન પોલીસે રેઇડ કરી રૂા. 9940ની રોકડ અને વર્લીમટકાના આકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.