સુપ્રિમ કોર્ટમાં ચાલતા કેસને પગલે પીજી મેડીકલ કાઉન્સીલની પ્રક્રિયા એક મહિનો સ્થગિત કરી દેવાના નિર્ણયને પગલે રેસીડેન્ટ ડોકટરો ઉપર વધી રહેલા કામના ભારણના વિરોધમાં જામનગર સહિત દેશભરના રેસીડેન્ટ અને જૂનિયર ડોકટરો દ્વારા વિરોધ આંદોલનનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે જામનગર જી. જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા જૂનીયર ડોકટરો દ્વારા આજે હડતાલ યોજાઈ હતી. નિયમિત ઓપીડી સહિતની સારવારો આ તબીબો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. માત્ર ઈમરજન્સી અને આઈસીયુની ફરજો બજાવવામાં આવી હતી.
જામનગર શહેરની જી.જી. હોસ્પિટલના રેસીડેન્ટ તબીબો કોરોના કાળથી સતત ફરજ બજાવી રહ્યા છે. તેમાં પણ નવા વિદ્યાર્થીઓની ભરતી ના થતા તેમના પર કામનું ભારણ વધ્યું છે અને હવે પરિસ્થિતિ એવી છે કે, તેમને સતત બે સિફટમાં 12 કલાક કામ કરવું પડે છે. જેનાથી કંટાળીને રેસીડેન્ટ ડોકટરોએ હડતાલ પર જવાનું નકકી કર્યુ હતું. જામનગરના જૂનિયર તબીબો દ્વારા સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હડતાલ યોજી હતી. જેને પરિણામે નિયમિત ઓપીડી તથા ઈલેકટીવ ઓટીએસ સેવા પ્રભાવિત થઈ હતી. જ્યારે હડતાલ હોવા છતાં પણ તબીબોએ દ્વારા ઈમરજન્સી અને આઈસીયુની ફરજો યથાવત રાખી હતી. તમામ જૂનિયર ડોકટરો ઉપરાંત સીનીયર રેસીડેન્ટ ડોકટરો પણ હડતાલમાં જોડાયા હતાં. જામનગરની જી. જી. હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો સતત હોય છે. ત્યારે રેસીડેન્ટ તબીબોની હડતાલને પગલે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં.