જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બોર્ડર પર ગામના પાટીયા નજીક પદયાત્રા કરીને જતાં દંપતીને પૂરઝડપે બેફીકરાઇથી આવતા અજાણ્યા વાહનચાલકે ઠોકર મારી હડફેટે લેતા પતિનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગરમાં મારૂતિનગર-2 માં રહેતા નરોતમભાઈ સોનગરા અને તેમના પત્ની જામનગરથી ખંભાળિયા તરફ પદયાત્રા તરફ જતાં હતાં તે દરમિયાન શુક્રવારે વહેલીસવારે ગોરધનપર ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે – બેફીકરાઈથી આવતા અજાણ્યા વાહને દંપતીને ઠોકરે ચડાવ્યું હતું. આ અકસ્માતમાં પતિ-પત્નીને ઈજા પહોંચતા ચાલક નાશી ગયો હતો. ત્યારબાદ દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પતિ નરોતમભાઈ સોનગરા નામના પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા મૃતકના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યાં હતાં અને મૃતકના પુત્ર મનિષ દ્વારા જાણ કરાતા પ્રો. પી.આઈ.ડી.બી. રાઠોડ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.