Thursday, January 9, 2025
Homeરાજ્યજામનગરરેલમછેલ...જામનગરમાંથી ગાંજાના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયા

રેલમછેલ…જામનગરમાંથી ગાંજાના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયા

એસઓજીએ 10 કિલો 300 ગ્રામ ગાંજા સાથે ચાર શખ્સોને દબોચ્યા : ઈકો કાર સહિત રૂા.4.48 લાખનો મુદ્દામાલ કબ્જે : બે શખ્સો અગાઉ પણ ગાંજા સાથે ઝડપાયા : રિમાન્ડ મેળવવા તજવીજ

- Advertisement -

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી નશીલા પદાર્થ ગાંજો અને હેરોઇનની હેરાફેરીનું પ્રમાણ ઘણું વધી ગયું છે. હાલમાં જ હાલારમાંથી આવા નશીલા પદાર્થની હેરાફેરી કરતાં શખ્સો ઝડપાવાની ઘટનાઓ વધી ગઇ છે.આ નશીલા પદાર્થની હેરાફેરી માટે હાલારના દરિયાકિનારાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દ્વારકા જિલ્લામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયા બાદ જામનગર શહેરમાંથી એસઓજીની ટીમે ચાર શખ્સોને 10 કિલો 300 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લઇ કાર સહિત રૂા.4.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

વર્ષોથી સંવેદનશીલ રહેલા હાલારના દરિયાકિનારાના ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરાતો હતો. જો કે, આવી પ્રવૃત્તિઓ થોડાંક સમયથી અટકી ગઈ હતી પરંતુ, હાલમાં જ આ દરિયાકિનારાના માર્ગ દ્વારા પાકિસ્તાનથી હેરોઇનનો મોટો જથ્થો ઘૂસાડવામાં આવ્યો હોવાનું ખૂલ્યું હતું અને ખંભાળિયા નજીકથી કરોડોની કિંમતના હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો. દ્વારકા પોલીસની કામગીરી બાદ આ પ્રકરણમાં રાજ્યના એટીએસ વિભાગે ઝંપલાવ્યું હતું. દ્વારકામાંથી ઝડપાયેલા હેરોઇનના જથ્થામાં રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોના હેરોઇનના દાણચોરોના કનેકશનો ખૂલ્યા હતાં. તેમજ આ પ્રકરણમાં એક નાઈઝીરિયનની પણ ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન જામનગરની એસઓજીના હે.કો. અરજણ કોડિયાતર અને મયુદ્દીન સૈયદને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી પીઆઇ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી. વિછી તથા સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન બાતમી મુજબની જીજે-10-ડીએ-2016 નંબરની ઈકો કાર પસાર થતા એસઓજીની ટીમે કારને આંતરીને તલાસી લેતા તેમાંથી 10 કિલો 300 ગ્રામ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારમાં રહેલા સલીમ ઉર્ફે સલિયો વલીમામદ માકોડા, રાહુલ ઉર્ફે કારો રાજુ દતેસરિયા, તુષાર ઉર્ફે ટકો હરીશ ગણાત્રા, મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદીયો ઉમેદસિંહ જાડેજા નામના ચાર શખ્સોને કાર અને ગાંજાના જથ્થા સહિત રૂા.4,48,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી. ઝડપાયેલા ચાર પૈકીના સલીમ અને રાહુલ નામના બે શખ્સો અગાઉ પણ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતાં. એસઓજીએ ચારેય શખ્સોના રિમાન્ડ મેળવવા અને આ નશીલા પદાર્થની હેરાફેરીમાં કોની કોની સંડોવણી છે ? તે અંગેની તપાસ માટે અદાલતમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular