ખંડણીના કેસમાં ગુરૂવારે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયેલા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સામે અત્યાર સુધીનો સૌથી ગંભીર આરોપ નિવૃત્ત સહાયક પોલીસ કમિશનર સમશેર ખાન પઠાણે કર્યો છે.
પરમબીરે 26/11ના ગુનેગાર અજમલ કસાબની મદદ કરી હોવાનો આરોપ પઠાણે કર્યો છે. પઠાણે હાલના મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાળેને ચાર પાનાનો પત્ર લખીને પરમબીર સામે આક્ષેપોમાં જણાવ્યું હતું કે કસાબ પાસેથી જપ્ત થયેલો ફોન પરમબીરે છૂપાવી રાખ્યો હતો અને હજુ સુધી આ આતંકવાદી હુમલાના કેસની તપાસ કરી રહેલા અધિકારીઓને નથી આપ્યો. હુમલા વખતે આ ફોનમાં કસાબને પાકિસ્તાન તરફથી સતત નિર્દેશો મળતા હતા એની વિસ્તૃત માહિતી અને પુરાવા મળી શક્યા હોત. પત્રમાં પઠાણે એવો આક્ષેપ પણ કર્યો છે કે પરમબીરે કસાબની સાથે આવેલા અન્ય આતંકવાદીઓ તેમ જ પાકિસ્તાનમાં બેસીને તેમને દોરવણી આપનારા આકાઓની આ રીતે મદદ કરીને સૌથી ખતરનાક આતંકવાદી હુમલાના પુરાવા નષ્ટ કર્યા હતા અને આડકતરી રીતે દેશદ્રોહ કર્યો હતો.
પઠાણના જણાવ્યા પ્રમાણે 26/11ના હુમલાની કમનસીબ રાત્રે કસાબ ગિરગાંવ ચોપાટી ખાતે જીવતો પકડાયો ત્યારે મારા સાથી સહાયક પોલીસ કમિશનર એનઆર માલીએ ફોન કરીને આ સંબંધી જાણકારી આપી તેમાં જણાવ્યું હતું કે કસાબ પાસેથી એક મોબાઇલ ફોન પણ જપ્ત થયો છે અને ઘટનાસ્થળે કેટલાય મોટા પોલીસ અધિકારીઓ આવી ગયા છે. આ અધિકારીઓમાં એ સમયે એટીએસના ચીફ પરમબીર સિંહનું નામ પણ મને માલીએ ફોન પર જણાવ્યું હતું. માલીએ મને ફોન પર કહ્યું હતું કે કસાબ પાસેથી મળેલો ફોન કોન્સ્ટેબલ કાંબળે પાસે હતો અને એ ફોન સૌથી મોટો પુરાવો હતો.
પઠાણે કહ્યું હતું કે આ ઘટનાના થોડા દિવસ પછી મેં ફરીની માલીને ફોન કરીને કેટલીક વિગતો જાણવાનો પ્રયાસ કરેલો. મેં માલીને જપ્ત થયેલા મોબાઇલ ફોન વિશે પૂછયું તો માલીએ કહ્યું હતું કે, એટીએસના ચીફ પરમબીર સિંહે આ ફોન ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો જ નથી.
જો એ સમયે ક્રાઇમ બ્રાન્ચને આ ફોન આપવામાં આવ્યો હોત તો કદાચ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનને ખૂલ્લું પાડવામાં મદદ મળી હોત.
પઠાણે જણાવ્યું હતું કે હવે હું અને માલી બંને નિવૃત્ત છીએ અને હું સમાજસેવાના કામ કરી રહ્યો છું. થોડા સમય પહેલા મેં માલી સાથે આ વિશે વાત કરી તો માલીએ મને જણાવ્યું કે એ સમયે ફોન સંબંધી વાત કરવા હું એટીએસના ચીફ પદે રહેલા પરમબીરને મળવા ગયો હતો અને ફોન ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની વાત કહી હતી. જો કે આ વાત કહેતા જ પરમબીર ભડકી ઉઠયા હતા અને પોતે મારાથી સિનિયર અધિકારી હોવાનું કહીને મને પોતાની ઓફિસમાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું.
માલીને પણ આ બાબતે ઉંડો આઘાત લાગતા તેમણે પોતાની રીતે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે સત્તાવાર દસ્તાવેજોમાં કસાબ પાસેથી કોઈ ફોન મળ્યો હોવાનો ઉલ્લેખ સુધ્ધાં નથી. પઠાણે આ પત્રમાં મુંબઈ પોલીસ કમિશનર સમક્ષ માગ કરી છે કે પરમબીર સામે આ મામલે ફરિયાદ નોંધવામાં આવે અને આ મુદ્દે તપાસ કરવામાં આવે.