રઝળતા ઢોરની સમસ્યાના કાયમી અને સ્થાયી હલ માટે અમદાવાદ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ કોર્પોરેશન ગાય-ભેંસ સહિતના રઝળતાં ઢોર માટે શહેર બહાર વાડા બનાવવા માટે રાજય સરકારને રજુઆત કરશે. રાજય સરકાર અમદાવાદ કોર્પોરેશનની આ રજૂઆત માન્ય રાખે તો જામનગર જેવા શહેર અને કોર્પોરેશનને પણ ખુબ જ ઉપયોગી થઇ શકે તેમ છે. જામનગર શહેર પણ વર્ષોથી રઝળતાં ઢોરની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ત્યારે એએમસીનો આ નિર્ણય જામનગર માટે પણ ફાયદાકારક સાબિત થઇ શકે તેમ છે.
અમદાવાદ શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરોની સમસ્યા વધારે છે. રસ્તા પરથી પગપાળમ પસાર થનારા કે ટૂ-વ્હીલર લઈને પસાર થનારા શહેરીજનો ક્યારે રખડતા ઢોરોની અડફેટમાં ચડી જાય તે કહેવું મુશ્કેલ છે. આવો ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, જેમાં રખડતા ઢોરની અડફેટમાં કોઈનું કોઈ ધાયલ થયું હોય. આટલું જ નહીં, રખડતા ઢોરના કારણે રસ્તાઓમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવાની સમસ્યા પણ સામાન્ય બની રહી છે. આ મામલે ખુદ હાઈકોટે કોર્પોરેશનનો ઉધડો લીધો હતો.
હકીકતમાં અમદાવાદ શહેરને રખડતા ઢોરોથી મુક્ત કરવા માટે વર્ષોથી વાતો થઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી. એવામાં અમદાવાદ શહેરને ઢોર મુક્ત કરવા માટે એએમસી ખાસ પ્લાન બનાવી રહ્યું છે.
રખડતા ઢોરને લઈને કોર્પોરેશને મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં શહેરને રખડતા ઢોર મુક્ત કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવશે. આટલું જ નહીં, ગાય, ભેંસો સહિતના રખડતા ઢોરો માટે શહેરની બહાર વાડા કરવા માટે પણ રજૂઆત કરવામાં આવશે. આ માટે શહેર કમિશનર દ્વારા સરકારને રજૂઆત ડરવામાં આવશે.