હાલારના સંવેદનશીલ દરિયાકિનારાનો ઉપયોગ ગુનાહિત પ્રવૃતિ માટે કરવામાં આવે છ અને અગાઉ પણ આ દરિયાકિનારાનો ઉપયોગ ગુનાહિત પ્રવૃતિઓ માટે કરાયો હોવાનું રેકોર્ડ ઉપર છે. હાલમાં જ પાકિસ્તાન દ્વારા આ દરિયાકિનારાથી હેરોઇનની દાણચોરી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના ઝિંઝુડામાંથી રૂા.600 કરોડની કિંમતના 120 કિલો હેરોઇન સાથે 3 શખ્સોને ગુજરાત એટીએસએ ઝડપી લઇ 12 દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરતા કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામમાંથી વધુ 120 કરોડની કિંમતના 24 કિલો હેરોઇન સાથે બે શખ્સોને દબોચી લઇ વધુ પુછપરછ હાથ ધરી હતી.
315 કિલોમીટરનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો હાલારમાં આ દરિયાકિનારો હંમેશા સંવેદનશીલ રહ્યો છે. અગાઉ પણ આ દરિયાકિનારેથી ગુનાહિત પ્રવૃતિઓ કરાતી હતી અને હાલ આ કિનારાનો ઉપયોગ પાકિસ્તાન દ્વારા હેરોઇન ઘુસાડવા માટે કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ ખંભાળિયા નજીકથી સ્થાનિક પોલીસે 315 કરોડની કિંમતના હેરોઇન કબ્જે કર્યું હતું. પોલીસ દ્વારા કરાયેલી આ સરાહનિય કામગીરી બાદ રાજયમાં એટીએસ દ્વારા નસીલાપ્રદાર્થ શોધી કાઢવાની કાર્યવાહી તેજ કરવામાં આવી હતી. દરમ્યાન પાકિસ્તાનથી ઘુસાડેલા હેરોઇન પ્રકરણમાં ગુજરાત એટીએસએ મળેલી બાતમીના આધારે રવિવારે મોરબી જિલ્લાના ઝિંઝુડા ગામમાં આવેલાં એક મકાનમાંથી મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ (રહે.જોડીયા, જી. જામનગર), સમસુદ્દીન હુસૈનમીયાં સૈયદ (રહે.ઝિંઝુડા જી.મોરબી), ગુલામ હુસૈન ઉમર ભગાડ(રહે. સલાયા જિ.દ્વારકા) નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.600 કરોડની કિંમતનું 120 કિલો હેરોઇન કબ્જે કર્યું હતું.
એટીએસ દ્વારા હેરોઇન સાથે ઝડપાયેલા ત્રણેય શખ્સોની વધુ પુછપરછ કરતાં આ હેરોઇનના જથ્થામાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજયોમાં ડ્રગ્સના દાણચોરોની સંડોવણી ખુલી હતી. એટીએસ દ્વારા ત્રણેય શખ્સોને અદાલતમાં રજુ કરતાં અદાલતે 12 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં. રિમાન્ડ દરમ્યાન પુછપરછમાં આ હેરોઇનના જથ્થામાંથી 12 કિલો હેરોઇનના જથ્થાની ડિલેવરી ઇકબાલ ઉર્ફે ઇકબાલ ડાડો ભગારીયાએ રાજસ્થાનના ડ્રગ્સ માફિયા ભોલા સુટરના માણસો અંકિત જાખડ અને અરવિંદ યાદવનાએ કરી હતી. તેમજ બાકીના જથ્થાની ડિલેવરી કરવા ઇકબાલ ઉર્ફે ઇકબાલ ડાડો અરવિંદ યાદવને મળવા જવાની મળેલી બાતમીના આધારે એટીએસની ટીમ રાજસ્થાન વોચમાં હતી. ત્યારે ઇકબાલ ઉર્ફે ઇકબાલ ડાડો ભગારીયા (રહે.સલાયા, સોડસલા-દ્વારકા) અને અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફે બિંદુ (રહે.મનીવાલી,જી. ગંગાનગર રાજસ્થાન) નામના બંન્ને શખ્સોને રાજસ્થાનના શિરોહી નજીકથી દબોચ્યા હતાં.
એટીએસ દ્વારા આ બંન્ને શખ્સોની પુછપરછ કરતાં ભોલા શુટર હાલ ફરિદકોટ જેલમાં હોય જેથી તે અંકિત જાખડ અને અરવિંદ યાદવ સહિતના માણસો દ્વારા ડ્રગ્સ રેકેટ અને ડિલેવરી કરાવતો હતો. તેમજ ભારત ભુષણ શર્મા ઉર્ફે ભોલા શુટર (રહે.ફરિદ કોટ -પંજાબ) ઉપર રાજસ્થાન,પંજાબ, હરિયાણા સહિતના રાજયોમાં લુંટ, હત્યા, ખંડણી જેવાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેમજ અંતિક જાખડ અને ભોલા શુટર લોરેન્ઝ બિશ્ર્નોઇ ગેંગના ખાસ માણસો છે. ઉપરાંત આ ગુન્હામાં વોન્ટેડ આરોપી ઇશા રાવનો પુત્ર હુસેન રાવ (રહે. જોડિયા જી.જામનગર)ની પણ સંડોવણી ખુલતાં હુસેનની ધરપકડ કરવામાં આવી હતી.
તેમજ પકડાયેલાં મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર નામના જોડિયાના શખ્સની પુછપરછ કરતાં તેણે દેવભુમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામમાં હેરોઇનનો જથ્થો છુપાવ્યો હોવાની કેફિયતના આધારે એટીએસએ મુખ્તાર હુસેનને સાથે રાખી નાવદ્રામાંથી અનવર ઉર્ફે અનુ મુસા પટેલિયા નામના શખ્સ પાસેથી રૂા.120 કરોડની કિંમતના 24 કિલો હેરોઇનનો જથ્થો કબ્જે કરી વધુ પુછપરછ હાથ ધરી હતી અને ઝડપાયેલાં અનવરની રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.