ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતાં હાલારમાં અગાઉ દાણચોરી થતી હતી તેમજ હથિયાર અને નસીલા પદાર્થ માટે આ દરિયાકિનારાનો ઉપયોગ થયો છે. હાલમાં જ દ્વારકા પોલીસને મળેલી બાતમી મુજબ જુદાં-જુદાં બે સ્થળેથી રેઇડ દરમ્યાન 315 કરોડની કિંમતનો હેરોઇનના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવામાં મહત્વની સફળતાં મળી હતી અને આ આંતરરાષ્ટ્રીય પ્રકરણમાં હેરોઇનનો જથ્થો પાકિસ્તાનથી આયાત કરવામાં આવ્યો હોવાનું ઝડપાયેલા શખ્સોની રિમાન્ડ દરમ્યાન ખુલ્યું હતું.
આ અંગેની વિગત મુજબ હાલારનો આશરે 315 કિલોમીટરનો દરિયાકિનારો હંમેશા સંવેદનશીલ રહ્યો છે. અગાઉ પણ આ દરિયાકિનારાનો ઉપયોગ ગુનાહિત પ્રવૃતિઓ માટે કુખ્યાત હતો અને હાલ પણ આ દરિયાકિનારાનો ઉપયોગ પાકિસ્તાનથી નસિલા પદાર્થ ઘુસાડવા માટે કરવામાં આવી રહ્યો છે. વધુ વિગત મુજબ રેન્જ આઇજી સંદિપસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસવડા સુનિલ જોષીની સુચના મુજબ ડિવાયએસપી સમીર સારડા, હિરેન્દ્ર ચોધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્ચાર્જ પીઆઇ જેએમ ચાવડા, પીએસઆઇ પી.સી.સિંગરખિયા તથા એએસઆઇ મહમદ યુસુફ બ્લોચના વિશ્ર્વાસુ બાતમીદાર મારફતે મળેલી બાતમીના આધારે પોલીસે આરાધનાધામ પાસેથી હિન્દી ભાષી શખ્સને આંતરીને તલાસી લેતાં સજ્જાદ સિકંદર બાબુ ઘોસી(ઉ.વ.44 રે.નિલમચાલ, રાજા મસ્જિદ પાસે, દેવરિપાડ, કૌસા મુંબરા, થાણે-મહારાષ્ટ્ર)ના શખ્સની પાસે રહેલી સ્કુલબેગ માંથી રૂા.88,25,50,000ની કિંમતનું મેથાએમફેટામાઇન અને હેરોઇન સહિત 17.651 કિલો ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવતાં પોલીસે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી પુછપરછ હાથ ધરી હતી.
પુછપરછ દરમ્યાન સજ્જાદે સલાયામાં રહેતાં સલિમ યાકુબ કારા અને અલી અસગર કારાના નામો ખુલ્યા હતાં. જેના આધારે દ્વારકા એસઓજી, એલસીબી, સાયબર ક્રાઇમ અને ખંભાળિયા પોલીસની ટીમે રેઇડ દરમ્યાન સલિમ યાકુબ અને અસગર કારાના મકાનમાંથી રૂા.2,26,84,00,000ની કિંમતનો ઓપીએટ ગ્રુપના હેરોઇન પદાર્થનો 47 બેગમાં ભરેલો 45.368 કિલો ગ્રામનો ડ્રગ્સનો જથ્થો અને રૂા.2000ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.2,26,84,02,000નો મુદ્દામાલ કબ્જે કરી બંન્નેની વિધિવત ધરપકડ કરી હતી.
દેવભુમી દ્વારકા પોલીસને મળેલી મહત્વની સફળતામાં કુલ ત્રણ શખ્સો પાસેથી રૂા.3,15,09,50,000 એટલે કે, 315 કરોડની કિંમતનો 63 કિલો 019 ગ્રામનો જથ્થો કબ્જે કરી ત્રણેય શખ્સોની રિમાન્ડ મેળવવા અદાલતમાં રજુ કરાતા અદાલતે ત્રણેય શખ્સોના 9 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર રાખ્યાં હતાં. પોલીસે રિમાન્ડ દરમ્યાન આરોપીઓની પુછપરછ કરતાં ડ્રગ્સનો આ જથ્થો દરિયાઇ માર્ગે પાકિસ્તાનથી આયાત કરી હાલારના દરિયાકિનારેથી ઘુસાડવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું.