દિવાળીના પર્વને અનુલક્ષીને જામનગર શહેરમાં ગઇકાલે સોમવારે મૈત્રી લેડીઝ કલબ દ્વારા રામેશ્ર્વર મંદિર ચોક, રામેશ્ર્વરનગર ખાતે સતત ચોથા વર્ષે રંગોળી સ્પર્ધા તથા આરતીની થાળી શણગારવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી 85 મહિલાઓએ રંગોળી સ્પર્ધામાં તથા 20 જેટલી મહિલાઓએ આરતી શણગાર સ્પર્ધામાં ભાગ લીધો હતો. મહિલાઓએ બેટી બચાવો, પર્યાવરણ જાગૃતિ સહિતના સંદેશા આપતી સુંદર રંગોળીઓ બનાવી હતી. સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં. આ તકે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, કોર્પોરેટરો ક્રિષ્નાબેન સોઢા, હર્ષાબા જાડેજા, સરોજબેન વિરાણી, આશિષભાઇ જોશી, કિશનભાઇ માડમ, તૃપ્તિબેન ખેતીયા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ રીટાબેન જોટંગીયા, વોર્ડ મહામંત્રી સી.એમ. જાડેજા, દયાબેન પરમાર, નયનાબા પરમાર, અરુણાબા જાડેજા, હિનાબા જાડેજા, શિવ મંદિર સમિતિના સભ્યો મનોજભાઇ ગોહિલ, કમલેશભાઇ હાડા, પ્રકાશભાઇ, જગતભાઇ રાવલ, પૂર્વ સ્ટે. ચેરમેન સુભાષભાઇ જોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન મૈત્રી લેડીઝ કલબ પ્રમુખ અને શહેર ભાજપ સંગઠન મંત્રી ભાવિષાબેન ધોળકીયા તથા વોર્ડ નં. 5ના કોર્પોરેટર કિશનભાઇ માડમ અને વોર્ડ નં. 15ના કોર્પોરેટર હર્ષાબા જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જીગ્નેશભાઇ ભટ્ટ તથા જાહ્નવીબેન બારોટે સેવા આપી હતી.