વધી રહેલી મોંઘવારીના પરિણામે પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે. તેમાં પણ પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવના પરિણામે તો હવે લોકો ત્રસ્ત થયા છે. જામનગર સહીત રાજ્યભરમાં દિવસે ને દિવસે ઇંધણના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જામનગરમાં આજે પણ પેટ્રોલના ભાવમાં 35પૈસા અને ડીઝલના ભાવમાં 38પૈસાનો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં પેટ્રોલ 7રૂપિયા 56 પૈસા અને ડીઝલ 8રૂપિયા 95 પૈસા મોંઘુ થયું છે.
જામનગરમાં આજે પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો થતા નવો ભાવ રૂ.106.27 અને ડીઝલમાં 38પૈસાનો વધારો થતા એક લીટર ડીઝલના રૂ.106.07 થયા છે. ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં પેટ્રોલમાં સાત રૂપિયાને 45 પૈસાનો ભાવ વધારો થયો છે. તો ડીઝલમાં ઓક્ટોબર મહિનામાં આઠ રૂપિયા વધ્યા છે.
એક બાજુ દિવાળી આવી રહી છે તેવામાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવથી લોકોના બજેટ ખોરવાઈ રહ્યાં છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવોએ સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. ઘરેલુ માર્કેટમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં તેજી માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવ વધવા કારણભૂત છે. પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગઇ છે.