ધ્રોલ ગામમાં સરા જાહરે ફાયરિંગ કરી યુવાનની હત્યા પ્રકરણના આરોપીને જામનગરની કોર્ટમાં મુદ્દતે લઇ આવવા સમયે મોરબી પોલીસની કેદી પાર્ટી દ્વારા હત્યાના આરોપીને લકઝરી સુવીધાઓ આપવાના વાયરલ થયેલા વિડિયોના કારણે મોરબી પોલીસવડા દ્વારા બે પોલીસકર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરી ખાતાકિય તપાસના આદેશ કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ જામનગરની કોર્ટમાં મુદ્દત હોવાથી ઓમદેવસિંહને મોરબી પોલીસની કેદી પાર્ટી તેને લકઝરી કારમાં લઇને આવી હતી. જામનગરમાં મૃતકના પરિવારજનોએ આરોપીને લક્ઝરી ફોર્ચ્યુયન કારમાં આવતા અને તેમાંથી ઉતરતો હોવાનો વીડિયો ઉતારી લીધો હતો અને પોલીસ અને આરોપી વચ્ચે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરીને વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોના સંદર્ભમાં મોરબી જેલના સત્તાવાળાઓએ તા. 26ના રોજ સવારે 9-15 વાગ્યે આરોપીને જામનગરની કોર્ટમાં લઇ જવા માટે મોરબી પોલીસની કેદી પાર્ટી આવી હતી અને સાંજે 5-40 ક્લાકે આરોપીને જેલમાં પરત લાવવામાં આવ્યો હતો. સામાન્ય સંજોગોમાં એક-બે કેદી હોય તો બસમાં અને વધુ કેદી હોય તો સરકારી વાહનમાં મોકલવામાં આવતા હોવાનું જણાવાયુ હતું. બાદમાં આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા ઓડેદરા દ્વારા હેડ કોન્સ્ટેબલ રાજેશ અને લોકરક્ષક જગદીશને તાકીદે સસ્પેન્ડ કરી દેવાયા હતાં અને બન્ને સામે ખાતાકિય તપાસના આદેશ કર્યા હતાં.