જામનગર ખાતે ગાયત્રી શક્તિ પીઠ દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગર્ભોત્સવ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ગર્ભાવસ્થા દરમિયાન માતાનું ચિંતન, આહાર-વિહાર તેમજ આદર્શ દ્વારા દેશને શિવાજી, વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી તથા રામ-કૃષ્ણ ભગવાન જેવા મહામાનવની ભેટ મળી. આ પ્રકારના આયોજન બદલ મંત્રીએ ગાયત્રી શક્તિપીઠને અભિનંદન પાઠવ્યા હતા તેમજ આ પ્રકારના આયોજન સમાજ માટે હિતકારી અને જરૂરી છે તેમ જણાવ્યું હતું. વધુમાં વધુ આવા કાર્યો વિસ્તરે તે માટે શક્ય તે તમામ પ્રયાસ દ્વારા મદદરૂપ થવા મંત્રીએ ભાવ વ્યક્ત કર્યો હતો. મંત્રીએ ગાયનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, અનેક યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર અવિરત પ્રયત્નો કરી રહી છે.
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મનુષ્ય અવતાર માત્ર સ્વાર્થ માટે નહીં પરંતુ પરમાર્થ માટે ઉપયોગમાં લેવાય તે જરૂરી છે. એકવીસમી સદીમાં આર્થિક ઉપાર્જનની સાથે સાથે ધર્મ અને સંસ્કાર પણ જળવાઈ તે જરૂરી છે તેમ જણાવી ગાયત્રી શક્તિ પીઠ દ્વારા થઇ રહેલા દેશવ્યાપી ધાર્મિક કાર્યોને ધારાસભ્યએ બિરદાવ્યા હતા.
આ પ્રસંગે ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન પી.એસ.જાડેજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ગુજરાત ઝોન સંયોજક અશ્વીનભાઈ જાની, ગુજરાત ઝોન સહ સંયોજક કનુભાઈ પટેલ, આવો ઘડિએ સંસ્કારવાન પેઢી કાર્યક્રમના ગુજરાત ઝોન સંયોજક રમેશભાઈ જોષી, જામનગર ઉપઝોનના સંયોજક સી.પી.વસોયા, જામનગર જિલ્લા સંયોજક કિર્તીબેન સોલંકી, જયુભા તેમજ જામનગર તથા અમરેલી ઝોનના 12 જિલ્લાના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાયત્રી શક્તિપીઠ દ્વારા કૃષિમંત્રીના અધ્યક્ષસ્થાને ગર્ભોત્સવ પ્રશિક્ષણ શિબિર
માતાના ચિંતન, આહાર-વિહાર તેમજ આદર્શ થકી દેશને શિવાજી, મહાત્મા ગાંધી તેમજ સરદાર વલ્લભભાઇ પટેલ જેવા મહાનુભાવોની ભેટ મળી : કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ