દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાથી કુરંગા સુધી ફોર લેન સી.સી. રોડ માર્ગનું નવનિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ વચ્ચે ખંભાળિયાથી લીમડી વચ્ચેનો માર્ગ કે જે ખુબ જ જર્જરીત અને ચોમાસાના કારણે મગરની પીઠ જેવો બની રહ્યો છે. જેમાં વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
આવતીકાલે રવિવાર તારીખ 24મીના રોજ દ્વારકા ખાતે ધર્મોત્સવ તથા રાજકીય સન્માન અંગેનો ભવ્ય મેળાવડો યોજવામાં આવ્યો છે. આ વચ્ચે ખખડી ગયેલા આ માર્ગ પર તંત્ર દ્વારા ડામરના થીગડાં મારવાની કામગીરી કરવામાં આવી હતી. જો કે કામચલાઉ અને અણઘડ રીતે કરવામાં આવેલા આ થીગડાથી આ રોડ ઊબડખાબડ બની ગયો હોવાનું ચિત્ર જોવા મળ્યું હતું. આ મહત્વનો માર્ગ તાકીદે દુરસ્ત કરવામાં આવે અને આ રસ્તાના નવનિર્માણનું કામ તાકીદે સંપન્ન થાય તેમ ખાસ કરીને આ વિસ્તારની જનતા તથા દ્વારકા દર્શનાર્થે જતા ધર્મપ્રેમી ભક્તોની લાગણી છે.