ચીન સાથે ચાલી રહેલા લશ્કરી વિવાદ વચ્ચે ભારતીય વાયુસેનાને વધુ તાકાત મળી છે. ફ્રાન્સથી ભારત આવી રહેલા વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાનો ગુજરાતના જામનગરમાં એરબેઝ પર લેન્ડ થયા હતા. ત્રણ નવા ફાઇટર જેટ 60,000 કરોડના સોદાના ભાગરૂપે 2016 માં ભારતે ઓર્ડર કરેલા કુલ36 માંથી 29 રાફેલની સંખ્યામાં વધારો થશે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ ત્રણ રાફેલ વિમાનો જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. આ મહિનાની શરૂઆતમાં એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ એર સ્ટાફના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આ રાફેલ ફ્રાન્સથી પ્રથમવાર આવનાર છે. ફ્રાન્સથી આવતા વિમાનોને અંબાલામાં ગોલ્ડન એરો સ્કવોડ્રોન અને પશ્ચિમ બંગાળના હાશિમારામાં 101 સ્કવોડ્રોન વચ્ચે વહેંચવામાં આવશે.
કેન્દ્રએ લગભગ 58,000 કરોડના ખર્ચે 36 રાફેલ લડાકુ વિમાનોની ખરીદી માટે સપ્ટેમ્બર 2016 માં ફ્રાંસ સાથે આંતર-સરકારી કરાર કર્યો હતો. ગયા વર્ષે 29 જુલાઇએ પાંચ રાફેલ વિમાનોનો પ્રથમ જથ્થો ભારત પહોચ્યો હતો. આ ત્રણ રફેલ બાદ વધુ ત્રણ રાફેલ જેટ ડિસેમ્બરના પહેલા ભાગમાં ભારત પહોંચશે અને 26 જાન્યુઆરી સુધીમાં તેને ઓપરેશનલ સ્કવોડ્રનમાં સામેલ કરવામાં આવશે. યોજના મુજબ, 36માં છેલ્લા રાફેલમાં વિશેષ ઉપકરણોનો સમાવેશ થશે જે તેને વધુ દ્યાતક અને સક્ષમ બનાવશે.