ઉત્તરપ્રદેશના બારાબંકીમાં આજે વહેલી સવારે એક ગંભીર અક્સ્માત સર્જાયો છે. જેમાં ટ્રક અને ટુરિસ્ટ બસ અથડાતા 13 લોકોના મૃત્યુ નીપજ્યા છે. અને 30 થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે ગાયને બચાવવા જતા બસની ઠોકર ટ્રક સાથે થઇ અને આ ગંભીર અકસ્માત સર્જાયો છે.
ઉત્તરપ્રદેશના બારાબંકીમાં દેવા વિસ્તારના બાબુરી ગામ નજીક એક ટૂરિસ્ટ બસ ટ્રક સાથે અથડાઈ હતી. બસમાં 70 જેટલા મુસાફરો હતા. અને અચાનક રસ્તા પર આવેલી ગાયને બચાવવા જતાં ટ્રક અને બસ વચ્ચે ઠોકર થઇ હોવાના અહેવાલ છે. ટક્કર એટલી ગંભીર હતી કે બંને ગાડીના ફૂરચા ઊડી ગયા હતા. જેસીબીને ઘટનાસ્થળે બોલાવી બસ અને ટ્રકને અલગ કરવામાં આવ્યા છે.
પોલીસ અધિક્ષક યમુના પ્રસાદ ઘટનાસ્થળે પહોચ્યાં છે અને બચાવ તેમજ રાહત કાર્ય ચાલુ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બંને વાહનો વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યા હતા ત્યારે બંને ટકરાયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, “રસ્તા પર એક ગાય હતી અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે બંને વાહનો ટકરાયા હતા.” ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યું છે. જિલ્લાધિકારી ડો. આદર્શ સિંહે જિલ્લા હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત લોકોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મૃતકોનાં પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની સહાયની જાહેરાત કરી છે.