ખંભાળિયામાં આવેલા પોસ રહેણાંક વિસ્તારમાં આજરોજ વહેલી સવારે કથિત રીતે માનસિક અસ્વસ્થ વૃદ્ધ દ્વારા એક મંદિરમાં આગ લગાવવામાં આવ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.
આ ચકચારી બનાવની વિગત મુજબ ખંભાળિયાના રાવલ ચોક વિસ્તારમાં આવેલા સિંધવી સિકોતર માતાજીના મંદિરમાં આજરોજ વહેલી સવારે આશરે સાડા પાંચથી છ વાગ્યાના સમયગાળા દરમિયાન એકાએક આગના ધુમાડા સ્થાનિકોને ધ્યાને આવ્યા હતા. આથી આસપાસના રહીશોએ દોડી જઈ અને આગ વધુ પ્રસરે તે પહેલાં કાબૂમાં લીધી હતી.
આ ચકચારી સંદર્ભે આ મંદિરના સંચાલક તથા સેવાભાવી યુવાનો દ્વારા જાણવા મળતી વિગત મુજબ સતવારા જ્ઞાતિના કછટિયા પરિવારના કુળદેવી માતાના મંદિરે આજરોજ વહેલી સવારે ખંભાળિયામાં રહેતો આશરે 60 થી 65 વર્ષનો કારિયો નામથી ઓળખાતો વૃદ્ધ સાયકલ પર આ મંદિરમાં આવ્યો હતો અને આ મંદિરનું તાળું તોડી અને લોખંડની મજબૂત ઝાળી કાપી નાખી હતી. આ પછી તેણે હથોડા વડે નિજ મંદિરના કાચ તોડી નાખ્યા હતા. ત્યારબાદ પોતાની સાથે લાવેલ કપડાના ગાભા ગોઠવી તેના પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી. જેના કારણે નિજ મંદિરમાં આગ લાગી હતી અને શણગાર વિગેરે બળીને ખાખ થયા હતા.
કથિત રીતે માનસિક વિકૃત આ વૃદ્ધ દ્વારા આ મંદિરમાં બધું અસ્તવ્યસ્ત કરી, આગ ચાંપી અને મંદિરની બહાર પોતાનું તાળું વાસીને પુનઃ નાસી છૂટયો હતો. આ બનાવ બાદ ઉપરોક્ત વૃદ્ધને સ્થાનિક રહીશોએ નજરોનજર પણ જોયો હતો. આ સમગ્ર ઘટના મંદિર નજીક તથા નજીકના એક રહેણાંક મકાનમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. જે મુદ્દે મંદિરના સેવાભાવી યુવાનો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આરોપી મનાતા વૃદ્ધને હસ્તગત કર્યો હતો.
આગામી દિવસોમાં નવરાત્રીના તહેવાર હોય આ મંદિરની સાફ-સફાઈ તથા સુશોભન પણ સ્થાનિકોએ કર્યું હતું. અગાઉ પર પણ મંદિરમાં તોડફોડ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવે સમગ્ર શહેરમાં ભારે ચકચાર પ્રસરાવી છે.
ખંભાળિયાના રહેણાંક વિસ્તારમાં મંદિરમાં આગ લગાવાઇ
આરોપી વૃદ્ધ સામે કાર્યવાહી