કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આદોલન કરી રહ્યા છે. દિલ્હીના સિંઘુ, ગાઝીપુર અને અન્ય સરહદોએ ધરણા પ્રદર્શનો ચાલી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં હાઇવેને ખેડૂતોએ ઘણા મહિનાથી બ્લોક કરી દીધા છે. એવામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હાઇવેને કાયમી ધોરણે બ્લોક ન કરી શકાય. કાયદા વ્યવસૃથાનો અમલ કરવો તે સરકારની જવાબદારી બને છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ હાઇવેને ખોલવાની છુટ પણ આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટે આંદોલનોને કારણે હાઇવે બંધ થતા નારાજગી વ્યક્ત કરી હતી. અને કહ્યું હતું કે કોઇ પણ મામલાનું સંસદની ચર્ચા, કોર્ટોની સુનાવણી અને આંદોલનો દ્વારા નિરાકરણ લાવી શકાય છે. પણ તેના માટે હાઇવે જામ કરવા ઠીક નથી. આ સાથે જ કોર્ટે કેંદ્ર સરકારને આ મામલે દાખલ અરજીમાં ખેડૂત સંગઠનોને પણ પક્ષકાર બનાવવાની છુટ આપી દીધી છે અને વધુ સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી હતી. આક્રામક નિવેદન આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ખેડૂતોને ધરણા પ્રદર્શનનો અધિકાર છે પણ રોડ રસ્તાને અનિશ્ચિત સમય માટે જામ ન કરી શકાય. સરકારને અગાઉ સુપ્રીમે આંદોલનો દ્વારા થતા હાઇવે જામનું નિરાકરણ લાવવા પણ કહ્યું હતું. કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરવા ખેડૂતો ગયા વર્ષે નવેમ્બર મહિનાથી દિલ્હીની અલગ અલગ સરહદો પર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.
જેને પગલે અનેક રૂટને ડાયવર્ટ પણ કરવા પડી રહ્યા છે અને અનેક સૃથળે ટ્રાફિક જામ થઇ રહ્યો છે. નોઇડાના રહેવાસી મહિલા મોનિકા અગ્રવાલ તરફથી દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે અમે કાયદાનો અમલ કરવાનો આદેશ આપી શકીએ પણ તેનો અમલ કરાવવો તે સરકારની જવાબદારી છે કેમ કે કોર્ટ તેનો અમલ ન કરાવી શકે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે કાયદાનો અમલ કરાવવો તે એક્ઝિક્યૂટિવની ડયૂટી છે. સરકારે માગણી કરી હતી કે આ સમગ્ર મામલામાં ખેડૂત સંગઠનોને પણ પક્ષકાર બનાવવામાં આવે તેની છુટ આપવામા આવે. આ માગણીનો સુપ્રીમ કોર્ટે સ્વિકાર કર્યો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ખેડૂત આંદોલનને કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સિંઘુ, ગાઝીપુર બોર્ડર ટૂંક સમયમાં ખોલવામાં આવે તેવી શક્યતાઓ છે. સાથે જ સરકારને આડકતરી રીતે સરહદો ખોલવાની છૂટ પણ આપવામાં આવી છે.