Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર સહિત રાજયભરમાં વેક્સિનના સ્થળો નકકી કરવામાં ગાંધીનગરથી અવ્યવસ્થા

જામનગર સહિત રાજયભરમાં વેક્સિનના સ્થળો નકકી કરવામાં ગાંધીનગરથી અવ્યવસ્થા

સવારે 8 વાગ્યે કયા સ્થળે, કઇ વેક્સિન આપવામાં આવશે? તેનો જવાબ પ્રજાને સવારે 8 વાગ્યા પછી મળે !

- Advertisement -

સરકારની અન્ય કેટલીક વ્યવસ્થાઓની માફક વેક્સિન વ્યવસ્થામાં રહેલી અવ્યવસ્થાઓ જાણીતી છે. તમામ તંત્રો સરકારી ઢબે કામ કરી રહ્યા હોય. લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. જામનગર મહાનગરપાલિકાનો એક દાખલો અત્રે પ્રસ્તુત છે.

જામનગર મહાનગરપાલિકા દરરોજ મોડી સાંજે અથવા રાત્રે, આવતીકાલે શહેરના કયા સ્થળે, કઇ વેક્સિન લોકો માટે ઉપલબ્ધ થશે? તે અંગેની જાણકારી મીડિયાને મોકલાવે છે. આ જાણકારી મીડિયા સુધી પહોંચવામાં વિલંબ થાય છે. જેને પરિણામે સવારે 8 વાગ્યે કેન્દ્રો પર રસીકરણ શરૂ થઇ જાય પછી નગરજનોને ખબર પડે છે કે, ફલાણા કેન્દ્ર પર ફલાણી રસી આપવામાં આવશે. આ પ્રકારની લાલીયાવાડીને કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે.

- Advertisement -

‘ખબર ગુજરાત’ દ્વારા આ વ્યવસ્થાની અવ્યવસ્થા અંગેનું ખરૂ કારણ જાણવા માટે ડેપ્યૂટી કમિશનર એ.કે.વસતાણીને આજે શુક્રવારે બપોરે 12 વાગ્યે બે વખત મોબાઇલથી સંપર્ક કરવા કોલ કરવામાં આવ્યો હતો. કોઇ કારણસર તેઓ કોલ રિસિવ કરી શકયા ન હતાં. ત્યારબાદ મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડો.ઋજૂતા જોષીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓએ આ અવ્યવસ્થાના બચાવમાં સમગ્ર દોષનો ટોપલો ગાંધીનગર પર ઢોળ્યો છે.

ડો.ઋજૂતા જોષીએ ‘ખબર ગુજરાત’ને જણાવ્યું હતું કે, કોઇપણ શહેરમાં કયા દિવસે, કેટલાં લોકોને, કઇ રસી આપવી? તે તમામ બાબતો ગાંધીનગર ખાતેથી નકકી થઇ રહી છે. ગાંધીનગરથી જામનગર મહાનગરપાલિકાને પ્રથમ કેટલાં વાયલ મળશે? તે જાણ કરવામાં આવે છે. બાદમાં કેન્દ્રોની સંખ્યા અને રસીનો પ્રકાર વગેરે વિગતો ગાંધીનગરથી જામનગર મહાનગરપાલિકાને વિલંબથી જણાવવામાં આવે છે.જેને પરિણામે આ પ્રકારની અવ્યવસ્થા સર્જાઇ રહી છે.

- Advertisement -

અત્રે નોંધનીય છે કે, વડોદરા અને સુરત જેવાં શહેરોમાં કોરોના રસીના ધાંધિયા પણ છે. હજારો લોકો કેન્દ્રો પર ધકકા ખાતા હોય છે. વેક્સિનના પૂરતાં સ્ટોકના અભાવે રાજયભરમાં લોકો ઘણાં દિવસોથી પરેશાન થઇ રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular