બંગાળની ખાડીમાંથી આવેલા ગુલાબ વાવાઝોડાએ લો પ્રેશરમાં ફેરવાઇ જઇને ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસાવ્યો છે. છેલ્લા 3 દિવસથી સ્થિર રહેલું આ લો પ્રેશર આજ સાંજ સુધીમાં ફરીથી ચક્રવાતનું રૂપધારણ કરી લેશે. જેને શાહિન નામ આપવામાં આવ્યું છે. ચક્રવાતમાં ફેરવાયા બાદ શાહિન મોડી રાત સુધીમાં પાકિસ્તાન અને ઇરાન તરફ આગળ વધી જશે. જે દરમ્યાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તેમજ પ0 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બંદરો પર સાવચેતી સૂચક ત્રણ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદનો માર સહન કરી રહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છને આવતીકાલથી રાહત મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જો કે, હવામાન વિભાગ દ્વારા આ વરસાદી સિસ્ટમ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
બંગાળના અખાતમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ગુલાબની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતા વધી હતી. જેના કારણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. હવામાનના જાણકારોના મતે આગામી 24 કલાકમાં ગુલાબ વાવાઝોડું શાહિન બની જશે અને ત્યાંથી કચ્છના અખાતમાંથી પાકિસ્તાનના માકરન કોસ્ટ સુધી પહોંચશે. શાહિન ચક્રવાત બની જતાં દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં ડિપ્રેશનની અસર પણ જોવા મળશે.
વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા દરિયાકિનારા પર નહીં જવા માટે ચેતવણી આપવામાં આવી છે. સાથે સાથે માછીમારોને પણ દરિયામાં નહીં જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.
4અનુ. પાના નં. 6 ઉપર