પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનનો શુભારંભ કરાવ્યો છે.જેના હેઠળ દરેક નાગરિકોને યુનિક હેલ્થ ID આપવામાં આવશે.જે તેમના હેલ્થ એકાઉન્ટ માટે પણ કામ કરશે. વડાપ્રધાને 15 ઓગસ્ટ 2020 ના રોજ લાલ કિલ્લા પરથી આયુષ્માન ભારત ડિજિટલ અભિયાનના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હાલમાં આ ડિજિટલ અભિયાન છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના પ્રારંભિક તબક્કામાં છે.
આ મિશનનો ઉદ્દેશ શું છે ?
આયુષ્માન ભારત ડિજિટલ મિશન યોજનાનો ઉદ્દેશ સમગ્ર દેશમાં હેલ્થકેરને ડીજીટલાઇઝ કરવાનો છે.જેમાં દરેક ભારતીય નાગરિક માટે એક યુનિક હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે.ત્રણેક વર્ષ પહેલા પીએમ મોદીએ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના લોન્ચ કરી હતી.જેને આયુષ્માન ભારત તરીકે પણ ઓળખાય છે. આ યોજના હેઠળ 10કરોડથી વધુ પરિવારો વાર્ષિક 5લાખ રૂપિયાનું આરોગ્ય કવચ મેળવે છે. અને હવે તેની ત્રીજી વર્ષગાંઠ નિમિતે પીએમ મોદીએ આયુષ્માન ભારત ડિજિટલ મિશન લોંચ કર્યું છે. જે સેન્ડબોક્સ ટેકનોલોજી અને પ્રોડક્ટ પરીક્ષણ માટે એક માળખા તરીકે કામ કરશે. સેન્ડબોક્સ ટેક્નોલોજી એક એવી સોફ્ટવેર મેનેજમેન્ટ સ્ટ્રેટેજી પૂરી પાડે છે જે માલવેર કે નુકસાન પહોંચાડે તેવી એપ્લિકેશનથી બચાવે છે.
આયુષ્માન ભારત ડિજિટલ મિશનથી લોકોને શું ફાયદો થશે ?
પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત એક અનોખું ડિજિટલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે જેમાં તમારા સ્વાસ્થ્યનો સંપૂર્ણ રેકોર્ડ હશે. ડિજિટલ હેલ્થ કાર્ડ એ એક ઓળખ કાર્ડ હશે જેમાં રેન્ડમલી જનરેટેડ 14-અંકનો સમાવેશ થાય છે. તમારે માત્ર આ નંબર ડોક્ટરને જણાવવાનો રહેશે અને તેના દ્વારા ડોક્ટર તમારી મેડીકલ હિસ્ટ્રી જોઈ શકશે.
કાર્ડ બન્યા પછી ચકાસણીના કાગળો સંભાળવાની જરૂર રહેશે નહીં, બધું ઓનલાઇન થશે. દરેક દર્દીનો સંપૂર્ણ તબીબી ડેટા રાખવા માટે હોસ્પિટલો, ક્લિનિક્સ અને ડોક્ટરોને સેન્ટ્રલ સર્વર સાથે જોડવામાં આવ્યા છે, જેમાં હોસ્પિટલો, ક્લિનિક્સ અને ડોકટરોની નોંધણી પણ કરવામાં આવશે. એટલું જ નહીં, આ હેલ્થ કાર્ડ દ્વારા તમે ઘરે બેસીને દવા પણ મંગાવી શકો છો.
હેલ્થ આઇડી કાર્ડનો ડેટા સંપૂર્ણ રીતે સિક્યોર છે એટલે કે કોઇ પણ ડોક્ટર માત્ર એકવાર આપનો ડેટા જોઇ શકે છે. બીજી વખત જોવા માટે એક્સેસ લેવું પડશે.
આ આઈડી દ્વારા કોઈપણ વ્યક્તિ મોબાઇલ એપ દ્વારા પોતાનો આરોગ્ય રેકોર્ડ જોઈ શકશે.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ ડિજિટલ અભિયાન દ્વારા, આરોગ્ય સંબંધિત સેવાઓ માટે દેશના લોકોની પહોંચ માત્ર એક ક્લિક જ દૂર રહેશે.
કેવી રીતે બનશે તમારું હેલ્થ કાર્ડ ?
હેલ્થ કાર્ડ બનાવવા માટે વેબ પોર્ટલ અથવા ગૂગલ પ્લેસ્ટોર પરથી NDHM રેકોર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને સેલ્ફ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
આ પછી, મોબાઇલ નંબર અથવા આધાર નંબર સાથે, નામ, જન્મ તારીખ, લિંગ, સરનામાંની કોલમ ભરવાની રહેશે.
પ્રક્રિયાની થોડીવાર પછી, તમારું હેલ્થ આઈડી બનાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે હેલ્થ આઈડી આધાર નંબર અથવા મોબાઈલ નંબરથી જનરેટ કરી શકાય છે. ખૂબ જ જલ્દી પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને અન્ય દસ્તાવેજોમાંથી હેલ્થ કાર્ડ બનાવવાની સુવિધા પણ આપવામાં આવશે.