કોરોના હળવો થતાં જ જામનગરના શહેરીજનો રવિવારની રજા માણવા પીકનિક પોઇન્ટ ઉપર ઉમટી પડયાં હતાં. તેમાંય રણજીતસાગર અને સસોઇ સહેલાણીઓના ફેવરિટ સ્પોટ બની રહ્યા હતા. છલકાઇ રહેલાં બન્ને જળાશયો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખી રણજીતસાગર જળાશય પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેથી લોકો ઓવરફલોની જગ્યાએ જઇ શકે નહીં અને કોઇ અકસ્માત ન સર્જાય તો બીજી તરફ સસોઇ જળાશય પર રેઢા પટ જેવી સ્થિતિ જોવા મળી હતી. એક તરફ સાગર પર લોકોને અટકાવવામાં આવી રહયા હતા. તો બીજી તરફ સસોઇના ઓવરફલો થતાં પાણીમાં લોકો છૂટથી ન્હાતા જોવા મળ્યા હતા.
જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં તાજેતરમાં થયેલા અતિભારે વરસાદને પરિણામે અનેક જળાશયો તથા ડેમો ઓવરફલો થયા હતા. જામનગર શહેર તથા જિલ્લામાં થયેલ મેઘમહેરથી જામનગરને પાણી પુરૂ પાડતા અને જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ તથા સસોઇ ડેમ પણ ઓવરફલો થયા હતા.
આ ડેમો ઓવરફલો થયા બાદ રવિવારે શહેરીજનો મોટીસંખ્યામાં રણજીતસાગર ડેમ ખાતે ઉમટી પડ્યા હતા હજુ પણ રણજીતસાગર ડેમ ઓવરફલો થઇ રહ્યો હોય લોકોની સલામતીને ધ્યાને લઇ પોલીસ દ્વારા રણજીતસાગર ડેમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને લોકોને ડેમની નજીક જતાં રોકાયા હતા. આમ છતાં શહેરીજનો જાનના જોખમે ડેમની નજીક પહોંચેલા જોવા મળ્યા હતા.
આ ઉપરાંત કોરોના મહામારીની ત્રીજી લહેર દહેશત વચ્ચે કેટલાંક લોકો માસ્ક પર્હેયા વિના પણ ફરતા જોવા મળ્યા હતા. રવિવારની રજા માણવા પહોંચેલા શહેરીજનોની ગંભીર બેદરકારી આફતને આમંત્રણ આપતી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે