જામજોધપુર તાલુકાના સીદસર ગામ નજીક આવેલા કોઝ-વે પરથી બાઈક પર ગીંગણી તરફ જતાં સમયે પાણીના વહેણમાં બાઈક તણાઇ જતાં વૃધ્ધનું મોત નિપજ્યું હતું. જામજોધપુર પંથકમાં પાણીના ખાડામાં પડી જતા ડૂબી જવાથી શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં રહેતાં અને મજૂરીકામ કરતા દેવશીભાઈ મોહનભાઈ ચૌહાણ (ઉ.વ.62) નામના વૃધ્ધ શુક્રવારે સાંજના સમયે જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતાં તેના જમાઇને ત્યાં બાઈક પર જતા હતાં તે દરમિયાન જામજોધપુર તાલુકાના સીદસર ગામ નજીક ઉમિયા માતાજીના મંદિર પાસે આવેલા કોઝ-વે પરથી પસાર થતા હતાં ત્યારે પાણીના પ્રવાહમાં તણાઇ જતાં ડૂબી જવાથી દેવશીભાઈનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની મૃતકના પુત્ર અતુલભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના અમરાપર ગામના સીમ વિસ્તારમાં વસાભાઇના ખેતરમાં મજૂરીકામ કરતા યોગેશ મંગેલાલ રાઠોડ (ઉ.વ.24) નામનો શ્રમિક યુવાન શુક્રવારે સવારના સમયે પાણી પીવા જતાં સમયે પગ લપસી જતા પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની કલાબાઇ દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ.જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
જામજોધપુરના સીદસર નજીક પાણીના પ્રવાહમાં તણાઈ જતાં વૃદ્ધનું મોત
સુપેડીથી ગીંગણી જતાં સમયે અકસ્માત : વૃદ્ધ બાઈક સહિત પાણીના વહેણમાં તણાયા : જામજોધપુરના અમરાપરમાં ખાડામાં ડૂબી જતાં યુવાનનું મોત