ભારે વરસાદ અને પૂરને કારણે જામનગર શહેરના અનેક વિસ્તારોમાં ઘૂસી ગયેલાં વરસાદી પાણીને કારણે નિર્માણ પામેલો ગંદવાડ દુર કરવા માટે જામ્યુકો દ્વારા સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડીએ ગઇરાત્રે બાઇક પર શહેરના વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ રોગચાળાની સ્થિતિ અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે જામનગરના સફાઇ કામદારો ઉપરાંત રાજકોટથી પણ સફાઇ કામદારોને બોલાવવામાં આવ્યા છે.
જામનગર શહેરના અનેક વિસ્તારોમાં ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારોમાં લોકોના ઘર અને શેરીઓમાં ઘુસી ગયેલા વરસાદી પાણી ઓસરી ગયા બાદ પાછળ મોટાપ્રમાણમાં કાદવ-કીચડ છોડી ગયા છે. જેને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. એટલું જ નહીં જો આ ગંદકી તાકિદે દૂર ન થાય તો રોગચાળાની સ્થિતિ પણ નિર્માણ પામી શકે તેમ હોય. મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીએ ગઇરાત્રે બાઇક પર આવા વિસ્તારોમાં ફરીને ગંદકીનો ચિતાર મેળવ્યો હતો.
ત્યારબાદ રોગચાળાની સ્થિતિ ટાળવા શહેરમાં સઘન સફાઇ ઝુંબેશ આવશ્યક જણાતાં યુધ્ધના ધોરણે સફાઇ અભિયાન હાથ ધરવામાં નિર્ણય કરવામાં આવ્યો છે. જામ્યુકોની સોલિડ વેસ્ટ શાખાના નાયબ ઇજનેર શિંગાળાના જણાવ્યા અનુસાર નદી કાંઠાના વિસ્તારોમાં હાલ 12 જેસીબી અને 20 જેટલા ટ્રેકટર દ્વારા કાદવ-કિચડ અને ગંદકી દુર કરવામાં આવી રહી છે. આ કાર્યમાં મદદરૂપ થવા માટે રાજકોટ મહાપાલિકાના 200 જેટલા સફાઇ કામદારો જામનગર આવી રહયા છે. તેઓ આજે બપોર સુધીમાં જામનગર પહોંચી જશે અને સફાઇ કાર્યમાં જોડાઇ જશે.જે વિસ્તારોની સફાઇ થતી જશે તેમ-તેમ આ વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવશે.


