Wednesday, December 25, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા મહેરબાન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા મહેરબાન

દ્વારકા પંથક સાડા છ ઇંચ સાથે સચરાચર વરસાદથી પાક-પાણીનુ ચિત્ર ઉજળું

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે વધુ એક વખત મહેરબાન થયા હતા. ધોરી મહિનો ગણાતા અષાઢ માસ બાદ શ્રાવણ માસ પણ મહદ અંશે વરસાદની ઘટ હોવાથી ધરતીપુત્રો સાથે જિલ્લાની જનતામાં ચિંતા પ્રસરી હતી પરંતુ શ્રાવણ માસના અંતિમ દિવસોમાં થયેલી મેઘવૃષ્ટિથી લોકોના જીવમાં જીવ આવ્યો હતો. આ પછી ગઈકાલે બુધવારે પણ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર વરસતાં લોકો ખુશખુશાલ બન્યા છે.

દેવભૂમિ દ્વારકા તાલુકામાં ગઈકાલે નોંધપાત્ર વરસાદથી દ્વારકા પંથકના લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. ગઈકાલે દ્વારકા તાલુકામાં દિવસ દરમિયાન મેઘ વિરામ બાદ ગત રાત્રીના આઠેક વાગ્યે હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. જ્યારે રાત્રિના બારેક વાગ્યાથી શરૂ થયેલો ધોધમાર વરસાદ સવારે છ વાગ્યા સુધીમાં છ ઈંચ વરસી ગયો હતો. આમ, આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન દ્વારકા તાલુકાનો કુલ વરસાદ સાડા છ ઈંચ (163 મિ.મી.) નોંધાયો છે.

આ જ રીતે ભાણવડ તાલુકામાં પણ સચરાચર મેઘ મહેર વરસતા ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે. ગત રાત્રિથી ભાણવડ તાલુકામાં શરૂ થયેલી નોંધપાત્ર મેઘ વર્ષા આજે વહેલી સવાર સુધી વરસી હતી. જેના કારણે ભાણવડ તાલુકામાં આજે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન કુલ પાંચ ઈંચ (121 મી.મી.) વરસાદ વરસી ગયો હતો.

આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં ગત સાંજેથી શરૂ થયેલો વરસાદ 24 કલાક દરમિયાન 69 મી.મી. નોંધાયો છે. આ જ રીતે ખંભાળિયા પંથકમાં પણ ગઈકાલે આખો દિવસ મેઘાવી માહોલ રહ્યા બાદ ગત સાંજે ધીમીધારે શરૂ થયેલા વરસાદે રાત્રિના વેગ પકડ્યો હતો અને કુલ બે ઈંચ જેટલું (46 મિ.મી.) પાણી વરસાવી દીધું હતું.

આમ, ગઈકાલના નોંધપાત્ર વરસાદથી જિલ્લાના અનેક જળસ્ત્રોતોમાં ધીમી આવક શરૂ થઇ હતી અને આગામી દિવસોમાં ધરા તૃપ્ત થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આજે સવારથી નોંધપાત્ર વરસાદી માહોલ સર્જાયો છે અને વધુ વરસાદ પડવાની સંભાવના પણ વ્યકત કરાઈ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular