ગુજરાતમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર દ્વારા વિવિધ જીલ્લાઓના ડેમ માંથી 35% પાણીનો જથ્થો પીવા માટે રાખીને બાકીનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત જામનગર જિલ્લાના કુલ 25 ડેમ પૈકી12 ડેમ માંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હતું.પરંતુ વરસાદ ન પડતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જેના પરિણામે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
જામનગર જીલ્લાના કુલ 25 ડેમમાં કુલ 35% પાણીનો જથ્થો છે. જે પૈકી 5 ડેમ એવા છે કે જેમાં 50% ઉપર પાણીનો જથ્થો છે. પન્ના ડેમમાં ૫૦%, વોડીસંગ ડેમમાં 66%, ફૂલઝર ડેમમાં 84%, બાલંભડીમાં 88%, વાગડિયા ડેમમાં 65% પાણીનો જથ્થો છે.
તો મોટાભાગના ડેમ તળિયા ઝાટક થવાના આરે છે જેમાં સસોઈ ડેમ,ફૂલઝર-2, ઉંડ-2, રૂપવટી, સસોઈ-2 અને વાનાણામાં પાણીનો જથ્થો 7%થી પણ નીચે છે.
અગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે પરંતુ ફરી એકવાર વરસાદ ખેંચાઈ જતાં સરકારે સિંચાઈના પાણીના પુરવઠા પર પણ બ્રેક લગાવી છે. સરકારે સ્પષ્ટ જાહેરાત કરી છે કે હાલના સંજોગોમાં સિંચાઈ માટે પાણી છોડી શકાશે જ નહિ. પરંતુ વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ થયો છે. ત્યારે જામનગર જીલ્લાના ખેડૂતો પણ મેઘરાજાના આગમનની કાગડોળે રાહ જોઈ બેઠા છે.