જામજોધપુર ગામમાં ગીંગણી રોડ પર આવેલા જલારામ મંદિરમાં તથા ટ્રસ્ટીની ઓફિસના તાળા તોડી રોકડ રકમ અને એક ટાયરની દુકાનમાંથી રોકડ રકમની ચોરી તેમજ બે દુકાનોમાં ચોરીનો તસ્કરોએ પ્રયાસ કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર ગામમાં ગીંગણી રોડ પર આવેલા ટ્રસ્ટના જલારામ મંદિરમાં મધ્યરાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં. તસ્કરોએ ટ્રસ્ટની ઓફિસ અને મંદિરના તાળા તોડી ટેબલના ખાનામાંથી તથા દાનપેટીમાં રાખેલ રૂા.20 હજારની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં તેમજ મંદિરની બાજુમાં જ આવેલી શ્રી રામ ટાયર નામની દુકાનમાં પણ તસ્કરો ત્રાટકયા હતાં અને ટેબલના ખાનામાંથી રૂા.4000 ની રોકડ ચોરી કરી ગયા હતાં. ઉપરાંત ધવલ ગેરેજ અને માધવ ખોળ-કપાસીયાની દુકાનમાં તસ્કરો ચોરી કરવા ઘુસ્યા હતા પરંતુ, અંદરથી કોઈ માલમતા ન મળતા ગાદલા સહિતનો સામાનમાં નુકસાન પહોંચાડયું હતું.
ચોરીના બનાવ અંગે વિજયભાઈ સોઢા દ્વારા જાણ કરાતા પીઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ચાર સ્થળોએ ત્રાટકેલા તસ્કરોનું પગેરુ મેળવવા તપાનો ધમધમાટ શરૂ કર્યો હતો અને સીસીટીવી ફૂટેજોના આધારે તસ્કરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામજોધપુરમાં જલારામ મંદિર અને ટ્રસ્ટની ઓફિસમાં તસ્કરો ત્રાટકયા
મંદિર અને ટ્રસ્ટમાંથી 20 હજારની રોકડની ચોરી : ટાયરની દુકાનમાંથી ચાર હજારની રોકડ ચોરી ગયા : અન્ય બે દુકાનમાં તસ્કરોનો ફોગટ ફેરો : સીસીટીવી ફૂટેજના આધારે તપાસ