જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી રેલવે લાઈન પર ખુલ્લા ફાટક નજીક વહેલી સવારે એક મહિલાએ ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. દોઢ વર્ષની કેન્સરની બીમારીના કારણે આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
મળતી વિગત મુજબ, જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ગણપત નગર વિસ્તારમાં રહેતી દક્ષાબેન રવિભાઈ રાઠોડ (ઉ.વ.28) નામની પરિણીત મહિલાએ વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં હનુમાન ટેકરી નજીક ખુલ્લા ફાટક પાસે આવેલી રેલવે લાઈન પર પસાર થઈ રહેલી માલગાડીના એન્જિન હેઠળ પડતું મુકીને આત્મહત્યા કરી લીધી છે. બનાવ અંગે રેલવેતંત્રએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.