ઓનલાઇન ગેમ પબજી પર પ્રતિબંધ બાદ ફરી ચાલુ થઇ છે. ત્યારે અનેક યુવાઓ આ ગેમમાં પાગલ છે. ત્યારે મુંબઈમાં આ રમતના ક્રેઝમાં 16 વર્ષના યુવકે તેના પરિવારના 10 લાખ રૂપિયા ઉડાવી નાખ્યા. જ્યારે માતાપિતાને આ બાબતની જાણ થઈ ત્યારે તેઓએ છોકરાને ઠપકો આપ્યો. આથી ગુસ્સે થયેલો યુવાન ઘર છોડીને ભાગી ગયો હતો. આ અંગે મુંબઈ પોલીસને જાણ કરવામાં આવતા તેણે ટૂંક સમયમાં છોકરાને શોધી કાઢ્યો.
અંધેરી પોલીસ એક 16 વર્ષના છોકરાની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જણાવ્યા મુજબ છોકરાને પબજી રમવાની લત હતી અને તેણે ગેમ ID અને UC ખરીદવા માટે પોતાનાં માતા-પિતાના એકાઉન્ટમાંથી રૂ. 10 લાખની રકમ કાઢી હતી. આ અંગે તેના માતા-પિતાને જાણ થતા તેઓએ બાળકને ઠપકો આપ્યો હતો અને બાળક ઘરેથી નારાજ થઈને જતો રહ્યો હતો. બાદમાં પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં તેને શોધી કાઢ્યો હતો.
બાળકના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી તેને પબજી રમવાની લત લાગી ગઈ હતી અને મોબાઈલમાં ગેમ રમતા રમતા તેનીમાતાના એકાઉન્ટમાંથી રૂ. 10 લાખનો ખર્ચ કરી દીધો હતો. આ વિશે જાણ થતા તેઓ બાળક સાથે લડ્યા તો તે ઘરેથી ભાગી ગયો હતો.