જામનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક જગ્યાએથી દારૂની રેલમછેલ થતી હોય એ રીતે અનેક સ્થળોએથી પોલીસ દરોડા દરમિયાન દારૂ કબ્જે કરતી હોય છે અને આરોપીને કડક સજા થાય એ માટે કાર્યવાહી પણ કરતી હોય છે. પોલીસની કડક કાર્યવાહી દરમિયાન પણ અનેક દારૂ રસીયાઓ જાણે પોલીસનો ડર ના હોય તે રીતે દારૂની હેરાફેરી કરતા હોય છે.
દરમિયાન પોલીસ દરોડાની વિગત મુજબ જોડિયા તાલુકાના ખીરી ગામના પાટીયા પાસેથી પસાર થતી કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.90,800 ની કિંમતની દારૂની 227 બોટલ મળી આવતા પોલીસે દારૂ અને એક કાર તથા બે મોબાઇલ સહિત કુલ રૂા.1.96 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી. જામનગર શહેરના એમ.પી.શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાંથી રેઈડ દરમિયાન પોલીસે 12 બોટલ દારૂ સાથે અટકાયત કરી હતી. જામનગર શહેરના નાગનાથ ગેઈટ પાસેથી પોલીસે દારૂની બોટલ સાથે એક શખ્સની અટકાયત કરી હતી.
પ્રથમ દરોડો, જોડિયા તાલુકાના ખીરી ગામના પાટીયા પાસેથી દારૂના જથ્થા સાથે કાર પસાર થવાની બાતમીના આધારે પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન બાતમી મુજબની જીજે-11-એસ-1085 નંબરની મારૂતિ અલ્ટો કાર પસાર થતા પોલીસે કારને આંતરીને તલાસી લેતા આ કારમાંથી રૂા.90,800 ની કિંમતની દારૂની 227 બોટલો મળી આવતા આ દારૂનો જથ્થો અને રૂા.1 લાખની કિંમતની કાર તેમજ રૂા.5500 ની કિંમતના બે નંગ મોબાઇલ સહિત કુલ રૂા.1,96,300 ના મુદ્દામાલ સાથે મોરબીના ઋષિરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, જગદીશ પ્રેમજી જાદવ અને વિજય ઉર્ફે ઘોઘો ઉર્ફેે જાદવ મધુ બારૈયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના એમ.પી.શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા ઈન્દ્રસિંહ ઉર્ફે શંકર ઉમેદસિંહ જાડેજા નામના શખ્સના મકાનમાંથી રેઈડ દરમિયાન પોલીસે રૂા.6000ની કિંમતની 12 બોટલ દારૂ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો, જામનગર શહેરના નાગનાથ ગેઈટ પાસેથી રેસ્ટોરન્ટ ચલાવતા બિપીન છગન હિંગરાજીયા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.350 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જોડિયા તાલુકાના ખીરી પાસે કારમાંથી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સ ઝડપાયા
દારૂનો જથ્થો, મોબાઇલ અને કાર સહિત રૂા.1.96 લાખનો મુદ્દામાલ કબ્જે : એમ.પી.શાહ ઉદ્યોગનગરમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે : નાગનાથ ગેઇટ પાસેથી એક બોટલ સાથે એક શખ્સ ઝડપાયો