દ્વારકામાં રહેતા અને મીઠાપુર વિસ્તારમાં જમીન ધરાવતા એક લોહાણા મહિલાની કિંમતી જગ્યાને વાવી, આ જમીનમાં ખેડાણ કરી, ગેરકાયદેસર રીતે દબાણ કરવા સબબ રાંગાસર ગામના બે શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકાના હોમ ગાર્ડ ચોક ખાતે વૃજ રેસીડેન્સીમાં રહેતા અને સિનિયર એડવોકેટ સંજયભાઈ રાયઠઠ્ઠાના પત્ની પારૂલબેન બચુભાઈ વિઠલાણી નામના મહિલાએ થોડા વર્ષો પૂર્વે દ્વારકા તાલુકાના રાંગાસર ખાતે રહેતા નાગાજણભા દેપાભા પાસેથી વેચાણ દસ્તાવેજ મારફતે મીઠાપુર નજીક આવેલી સર્વે નંબર 209 વાળી જગ્યા ખરીદ કરી હતી. ત્યારબાદ આ ખેતીની આ જમીન બીન ખેતી કરી, અહીં પ્લોટિંગ કરવામાં આવ્યું હતું. 17,199 ચોરસ ફૂટ જેટલું ક્ષેત્રફળ ધરાવતી આ જગ્યાની જંત્રી મુજબ કિંમત 15.99 લાખ તેમજ હાલની બજાર કિંમત મુજબ પ્લોટીંગ સહિત આ જગ્યાની કુલ કિંમત રૂપિયા 75 લાખ જેટલી થતી હોવાનું જાહેર થયું છે.
ગત તા. 15/6/2012 થી આજ દિન સુધી ઉપરોક્ત જગ્યા પર રાખવામાં આવેલું માલિકી અંગેનું બોર્ડ કાઢી અને સાંગાસર ગામના નાગાજણભા દેપાભા તેમજ ગજુભા દેપાભા નાના બે શખ્સોએ અહીં રાખવામાં આવેલા પથ્થર ઉપાડી નાખી, રૂપિયા 60 હજાર જેટલું નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં, આ જગ્યા પર આરોપી શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો ભોગવટો કરી, અને આ જમીન વાવી, ખેડી રહ્યા હતા.
આમ, રૂપિયા પોણો કરોડ જેટલી કીમતી જગ્યામાં લાકડાનો ડેલો નખાવી અને આ સમગ્ર જગ્યા ગેરકાયદેસર રીતે પચાવી પાડવા પારૂલબેન બચુભાઈ વિઠલાણીની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે બન્ને શખ્સો સામે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સ્થાનિક ડીવાયએસપી દ્વારા હાથ ધરવામાં આવી છે.