કોરોના મહામારીના નિયંત્રણ અને સારવારની વ્યવસ્થા પાછળ થતા જંગી ખર્ચને પહોંચી વળવા હવે રાજ્ય સરકારે તમામ જવાબદારી પોતાના પર રાખવાને બદલે જિલ્લાના ખર્ચની જવાબદારી જે તે જિલ્લા કલેક્ટરો પર નાખી દીધી છે. દાતાઓ, ખાનગી કંપનીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી ફંડ મેળવીને જરૂરિયાત મુજબની વ્યવસ્થા માટે દરેક જિલ્લામાં સીએસઆર ફંડની રચના કરવાના આદેશ કરાયો છે. ફંડ માટે અલગથી બેંક એકાઉન્ટ ખોલાવવા તથા તેમાંથી કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર પર વધારાનો બોજ આવ્યો છે. કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શન, વેન્ટીલેટર સહિતનાં મહત્ત્વનાં સાધનો અને દવાઓની ભારે અછત અને તેને પહોંચી વળવા પણ રાજ્ય સરકારને જંગી ખર્ચ કરવો પડ્યો હતો. હવે કોરોનાની ત્રીજી લહેરની પૂર્વ તૈયારીના ભાગરૂપે વેન્ટીલેટર, હોસ્પિટલ બેડ, દવાઓ અને ઓક્સિજન પ્લાન્ટની મોટા પાયે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારને અત્યાર સુધીમાં કોરોના પાછળ 2500 કરોડથી વધુ રકમનો ખર્ચ કરવો પડ્યો છે. આથી હવે દાતાઓ પાસેથી ફંડ મેળવવાની જવાબદારી જે તે જિલ્લા કલેક્ટરોને પણ સોંપવામાં આવી છે.
ઉદ્યોગ વિભાગે કરેલા ઠરાવ મુજબ કોરોનાની મહામારી, કુદરતી આફત કે આકસ્મિક મુશ્કેલીના સમયે ઊભી થતી કામગીરીને પહોંચી વળવા સીએસઆર ફંડની રચના અને કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરોને આ હેતુ માટે એક અલગ સીએસઆર ફંડ ઊભું કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ફંડ માટે અલગથી બેંકમાં ખાતું ખોલાવવા અને તેમાંથી કામગીરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. જનસેવા કેન્દ્રો ખાતે યુઝર ચાર્જીસની આવકના ભંડોળમાંથી સેવા વિષયક ખર્ચ કરવા રચાયેલી જિલ્લા ઇ-સેવા સોસાયટીને સીએસઆર અમલીકરણની કામગીરી કરવા માટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
જિલ્લા કક્ષાની સમિતિમાં કલેક્ટર અધ્યક્ષ, ડીડીઓ સહ અધ્યક્ષ જ્યારે જિલ્લા આયોજન અધિકારી, તિજોરી અધિકારી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સભ્ય તરીકે અને નિવાસી અધિક કલેક્ટર સભ્ય સચિવ તરીકે રહેશે.
કોરોના સંબંધી ખર્ચ માટે કલેકટરોએ સ્થાનિક સ્તરેથી ‘દાનભેટ’ એકત્ર કરવાના
હવે રાજય સરકાર કોરોના ખર્ચ માટે નાણાં નહીં આપે