પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધિત કરી. વાહન સ્ક્રેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ સમિટનું આજે રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી, સીએમ રૂપાણી ઉપસ્થિત રહ્યા.
પીએમ મોદીએ વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી મહત્વની ઘોષણા કરતા જણાવ્યું કે જે લોકો જુના વાહનો સ્ક્રેપમાં આપશે તેને સર્ટિફીકેટ આપવામાં આવશે. અને વાહનની ખરીદી કરતા સમયે સર્ટિફીકેટ રજુ કરવામાં આવશે તો નવા વાહનની ખરીદી પર રજીસ્ટ્રેશન ચાર્જ નહી લાગે એટલું જ નહી સ્ક્રેપમાં વાહન કાઢી નાખનારાઓને આપવામાં આવનારા પ્રમાણપત્ર પર તેમને નવા વાહનની ખરીદી બાદ રોડ ટેક્સમાં 25 ટકાની રાહત આપવામાં આવશે. કોમર્શિયલ વેહિકલ માટે આ રાહતની ટકાવારી 15ની રાખવામાં આવશે. મોટર વેહિકલ ટેક્સમાં પણ આ સર્ટિફિકેટ પર 25 ટકા સુધીની રાહત મળશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે 75 મા સ્વતંત્રતા દિવસ પહેલા આજનો આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારતના લક્ષ્યોને સાકાર કરવા એક મોટું પગલું છે. આ પોલિસી ભારતની મોબોલિટીને ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે. આ પોલીસી 10 હજાર કરોડથી પણ વધારે રોકાણ લાવશે. આગામી 25 વર્ષ દેશ માટે મહત્વના છે. આ પોલીસી પર્યાવરણ માટે પણ જરૂરી છે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતના અલંગને શિપ રરિસાઈકલિંગ હબ તરીકે ઓળખવામાં આવે છે. નવી પોલિસીના કારણે આગામી 25 વર્ષમાં ઘણાં બદલાવ આવશે. અને પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે. પોલિસીથી સામાન્ય લોકોને ઘણો લાભ મળશે અને દેશમાં રોજગારી પણ વધશે. સ્ક્રેપ પોલિસીને જાપાન અને બેલઝિયમમાં લાગૂ કરવામાં આવી છે. એશિયાના દેશો સ્ક્રેપિંગ માટે ગુજરાતમાં સ્ક્રેપ મોકલશે જે કડલના માધ્યમથી ગુજરાતમાં આવશે. જૂના વાહનોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં ચારથી પાંચ સ્થળોએ ભંગાર વાડા બનાવવામાં આવશે.