જામનગર જિલ્લામાં મોટી ખાવડી મુકામે આંદોલન અને ધરણાની મંજૂરી આપતા જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરીનો બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા સબબ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડી ખાતે આંદોલન અને ધરણા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરીનો બનાવટી લેટરપેડ અને રાઉન્ડસીલ થી આ ધરણા માટે મંજૂરી આપતો બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ વાયરલ પોસ્ટ ધ્યાનમાં આવતા જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરીમાં ફરજ બજાવતા મનિષ તાળાએ આ મામલે સિટી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આર.એ. વાઢેર તથા સ્ટાફે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરીનો બનાવટી લેટરપેડ વાયરલ કરવા સબબ ગુનો નોંધી અજાણ્યા શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં તેમજ પોલીસે આ વાયરલ લેટરપેડ કોના દ્વારા મીડિયામાં વાયરલ કરાયો ? તે અંગેનો તાગ મેળવવા તપાસ આરંભી હતી.
જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરીનો બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ
મોટી ખાવડીમાં આંદોલન-ધરણાંની મંજૂરી આપતો લેટરપેડ વાયરલ : વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઇ